Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગુજરાતમાં ધોળાવીરાથી લઇ લોથલ સુધી પૌરાણિક વારસો પથરાયેલો: મુખ્યમંત્રી રૂપાણી

રાજ્યની જનતાએ ગુજરાતીપણાને છાજે એ રીતે અમેરિકી રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત કર્યું: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટાઇમ્સ આર્ટફેસ્ટ ૨૦૨૦નું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ : અમદાવાદમાં ટાઇમ્સ આર્ટફેસ્ટ ૨૦૨૦ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ કહયું છે કે, ૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદનો જન્મદિવસ છે, શહેરના ૬૧૦મા જ્ન્મદિવસની પૂર્વસંધ્યાએ ‘ટાઇમ્સ આર્ટફેસ્ટ ૨૦૨૦’ થકી હેરિટેજ સિટીના જીવંત વારસાને ઉજાગર કરવામાં આવ્યો છે. અત્રેની કૃતિઓમાં અમદાવાદની આધુનિક અને પૌરાણીક એમ બંન્ને બાજુને તાદ્રશ્ય કરવામાં આવી છે.તેમ તેઓએ ઉમેર્યું હતું.

 

     મુખ્યમંત્રીએ કહયું કે, ટાઇમ્સ ગ્રુપે  ‘સેવ ગર્લ’, ‘સેવ લાયન’, ‘હેરીટેજ સીટી’, ‘ સેવ-રિવર’, ‘ટ્રાફિક નિવારણ’, અને ‘રમતગમત’ જેવા વિવિધ વિષયો પર અભિયાન આરંભી સામાજિક ઉત્તરદાયિત્વ સુપેરે નિભાવી જાણ્યું છે.
     મુખ્યમંત્રીએ કહયું કે, ગુજરાતમાં ધોળાવીરાથી લઇ લોથલ સુધી પૌરાણિક વારસો પથરાયેલો છે. ગુજરાતનો વિકાસ સંસ્કૃતિ સભર છે. રાજ્ય સરકારનો વિકાસલક્ષી અભિગમ માત્ર ઉત્પાદન, વ્યાપાર પુરતો મર્યાદિત ન રહેતા હેપીનેસ ઇન્ડેક્સ વધારવાસુધી વિસ્તૃત છે.
    મુખ્યમંત્રીએ ‘અમદાવાદની ગુફા’ આર્ટ ગેલેરી ખાતે ટાઇમ્સ આર્ટફેસ્ટ-૨૦૨૦ના ઉદ્ઘાટન બાદ પરિસરમાં વિવિધ કલાકૃતિઓ નિહાળી કલાસાધકોની પ્રસંશા કરી હતી.
   મુખ્યમંત્રીએ ટાઈમ્સ ગ્રુપને આર્ટફેસ્ટના આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. સાથે જ અમદાવાદના નગરજનોને શહેરના ૬૧૦માં જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
   મેયર શ્રીમતિ બિજલબેન પટેલે નગરજનો વતી ટાઈમ્સ ગ્રુપને આર્ટફેસ્ટ ૨૦૨૦ના આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. સાથે જ અમદાવાદના નગરજનોને શહેરના ૬૧૦માં જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
   આ પ્રસંગે ટાઇમ્સ ઓફ ઈંડિયાના તંત્રી હારિત મહેતાએ કહ્યું કે, ટાઈમ્સ ગ્રુપ અમદાવાદે કલાવારસો જાળવવાના આ અભિયાનની શરૂઆત ૨૦૦૯માં કરી હતી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ત્યારે કલાકૃતિ પ્રદર્શનનું દસ્તાવેજીકરણ કરવાનું કહ્યું હતું, જેના ફળસ્વરૂપ ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘ગાંધી ઇન અમદાવાદ’ જેવા વિવિધ પુસ્તકો ટાઈમ્સ ગ્રુપે પ્રકાશિત કર્યા છે.
   ટાઇમ્સ આર્ટફેસ્ટ ૨૦૨૦ના ઉદ્ઘાટન પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના પ્રીતિ અદાણી, મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ, , ટાઇમ્સ ગ્રુપના કર્મચારીઓ અને કલારસિકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

(7:29 pm IST)