Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

સુરતના વરાછામાં જ્વેલરી શોરૂમમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરનાર ઝડપાયો: જેલ તોડીને ભાગ્યો હોવાનો ઘટસ્ફોટ

ઝડપાયેલ વિજય કરપડા સૌરાષ્ટ્રનો રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું

સુરત : સુરતના વરાછા વિસ્તારમાં અમર જવેલર્સમાં ધોળે દિવસે 6 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં કર્મચારીને પેટના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનામાં જ્વેલરી શોરૂમના માલિક બચી ગયા હતા જ્યારે લૂંટારૂઓ પૈકીના એકને ભીડે ઝડપી પાડ્યો હતો ત્યારે પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે ઝડપાયેલો આરોપી પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો છે.

વરાછા વિસ્તારના અમર જ્વેલર્સમાં બે દિવસ પહેલાં સાંજે માલિક નિતેશ ભાઈ વાવીયા પર ફાયરિંગનો પ્રયાસ થયો હતો. તે ટેબલ પાછળ છૂપાઈ જતા તેમને ઇજા થઈ નહોતી પરંતુ મેનેજર સંજયભાઈને ગોળી વાગી હતી.

આ ઘટનામાં પોલીસે વિજય કરપડાની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી ભાગી છુટ્યો છે. પોલીસ તપાસમાં વિજય કરપડા સૌરાષ્ટ્રનો રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે તેમજ જેલ તોડીને બહાર આવ્યો હોવાનું ખુલ્યું છે જેને લઈ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

  અમર જ્વેલર્સના દેવેન્દ્ર મગન વાવીયાએ 4 સપ્ટેમ્બર 2019ના રોજ હસમુખ વલ્લભ ભંડેરી અને કપિલ કુમાર ટાંક વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ આપી હતી. જેમાં લખ્યું હતું કે દેવેન્દ્ર વાવીયાએ હથોડાની જમીન બે કરોડમાં હસમુખ અને વલ્લભ ભંડેરી પાસેથી લીધી હતી. બાદમાં હસમુખ અને કપિલે આ જમીન અન્ય કોઈને વેચી મારી હતી. બીજી તરફ સપ્ટેમ્બર 2017માં કમલેશ ભેસાંણીયા નામના બિલ્ડરએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. તેમાં કમલેશે જે સુસાઈડ નોટ લખી હતી તેમાં ઉલ્લેખ હતો કે અમર જ્વેલર્સવાળા દેવુ મગન વાવીયા, મગન વાવીયા, નિમેશ સાકરિયા, બીપીન કરમડિયા, તરંગ કથીરિયા અને દેવશી કથીરીયાને વ્યાજ સહિત નાણાં ચૂકવ્યા હોવા છતાં ધમકી આપતા હતા. હથોડાની જમીન પણ લખાવી લેતા આત્મહત્યા કરી હતી

આ જમીન કેસમાં વિજય કપરાડા ઉપરાંત મહેન્દ્ર ઉર્ફે મેંદો, કપીલ ઉર્ફે બાવો, અને રાજસ્થાનના લોરેન્સ બિશ્નોઇના કહેવાથી ફાયરિંગ કર્યુ છે. લોરેન્સે કોની સોપારી લીધી છે તે રહસ્ય હજુ અકબંધ છે.

(12:10 am IST)