Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ કાલે બજેટ રજૂ કરી નવો રેકોર્ડ કરશે

વજુભાઇ બાદ સૌથી વધુ વખત બજેટનો રેકોર્ડ : વજુભાઈ વાળાએ ૧૮ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ કરેલો છે : નાણામંત્રી નીતિન પટેલ આઠમી વખત બજેટ રજૂ કરશે

અમદાવાદ, તા.૨૫ : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આવતીકાલે રૂઆત થઇ રહી છે. પ્રથમ દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કરશે. કેમ કે ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૮ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ આવતીકાલે ૮મી વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કરશે. જેને લઇને નીતિનભાઇ પટેલની સાથે સાથે ભાજપ સરકાર પણ ભારે ઉત્સાહિત છે. ગુજરાતના બજેટ ઇતિહાસની વાત કરી તો, અગાઉ વજુભાઈવાળાએ ૧૮ વખત વિધાનસભામાં બજેટ રજૂ કરીને રેકોર્ડ કરી ચૂક્યા છે. જેમાં કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીકાળ દરમિયાન ૧૯૯૮થી લઈ ૨૦૦૧ સુધી અને ત્યાર બાદ વર્ષ ૨૦૦૨થી નરેન્દ્રમોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન વર્ષ ૨૦૧૪ સુધીમાં ૧૮વાર બજેટ રજૂ કર્યા હતા. .

            જો કે, ૨૦૧૨ બાદ વજુભાઈને બદલે નીતિન પટેલને નાણાંમંત્રી બનાવવામાં આવ્યા અને તેમણે ૨૦૧૪ સુધી બજેટ રજૂ કર્યા હતા. જ્યારે મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી પદે આનંદીબહેન પટેલ આવ્યા અને સૌરભ પટેલ નાણાંમંત્રી બન્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૭માં બનેલી રૂપાણી સરકારમાં નીતિનભાઈ પટેલ ત્રીજીવાર નાણાંમંત્રી બન્યા હતા અને ૨૦૧૭ થી લઈ અત્યાર સુધી મળીને કુલ ૭વાર નીતિનભાઇ બજેટ રજૂ કરી ચૂક્યા છે. આવતીકાલે તેઓ ગુજરાત વિધાનસભામાં મળી રહેલા ખાસ બજેટ સત્ર દરમ્યાન ૮મીવાર બજેટ રજૂ કરશે. નીતિન પટેલે બે વાર લેખાનુદાન અને પાંચ વાર પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું.

(9:02 pm IST)