Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

૫૦ લાખ દલિતોને રૂપાણી સરકાર ઉપર ભરોસો નથી

પાટણના દલિત આત્મવિલોપન મુદ્દે ગૃહમાં હોબાળોઃ મેવાણીએ બોલવાનું શરૂ કરતાં માઇક બંધ કરાયું : કોંગીના હોબાળા બાદ ગૃહને રીસેસ સુધી મોકૂફ રાખવાની ફરજ

અમદાવાદ,તા. ૨૬ : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પાટણમાં ભાનુભાઇ વણકરના આત્મવિલોપનનો મામલો બહુ ગાજયો હતો. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે દલિત આત્મવિલોપનો મુદ્દો ઉઠાવતાં મામલો ગરમાયો હતો. એક તબક્કે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બોલવાનું શરૂ કરતાં જ અધ્યક્ષે તેમનું માઇક બંધ કરવાની સૂચના આપી હતી, જેને પગલે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો તરત જ મેવાણીના સમર્થનમાં આવી ગયા હતા અને ગૃહમાં જોરદાર હંગામો અને હોબાળો મચાવ્યો હતો. દલિત યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતના ૫૦ લાખ દલિતોને રૂપાણી સરકાર પર ન્યાય મળવાનો કોઇ ભરોસો નથી. તેમના આ આરોપના સમર્થનમાં વિપક્ષ પણ જોડાયો હતો, જેને લઇ ભાજપના ધારાસભ્યો પણ સામે આવી ગયા હતા અને વિપક્ષ પર પ્રતિઆક્ષેપ કરી જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહમાં વિપક્ષના જોરદાર હંગામા અને હોબાળા બાદ અધ્યક્ષને રીસેસ સુધી ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન આજે કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલે પાટણ કલેકટર ઓફિસ ખાતે આત્મવિલોપન કરનારા દલિત વૃધ્ધ ભાનુભાઇ વણકરને ન્યાયની માંગણી સાથેનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના સમર્થનમાં ધારાસભ્ય શૈલેષ પરમારે પણ સરકાર પર પ્રહારો શરૂ કર્યા હતા. દરમ્યાન દલિત યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ દલિત અત્યાચાર અને અન્યાયને લઇ સરકારને આડા હાથે લીધી હતી અને ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતના ૫૦ લાખ દલિતોને રૂપાણી સરકાર પર ન્યાયનો ભરોસો નથી. મેવાણીના ગંભીર આક્ષેપોને સાંભળીને તે સરકાર વિરૂધ્ધ બીજો કોઇ ગંભીર આરોપ લગાવે કે આક્ષેપ કરે તે પહેલાં જ અધ્યક્ષે મેવાણીનું માઇક બંધ કરવાની સૂચના આપી હતી. જેને લઇ ગૃહમાં મામલો જોરદાર ગરમાયો હતો, મેવાણીના માઇક બંધ કરવાનો વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ જોરદાર અને ઉગ્ર વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ પ્રકારે ચૂંટાયેલા ધારાસભ્યની બોલવાની કે રજૂઆત કરવાની સ્વતંત્રતા છીનવી શકાય નહી, આ બંધારણીય જોગવાઇઓ અને લોકશાહીના પ્રસ્થાપિત મૂલ્યોના ભંગ સમાન છે. બીજીબાજુ, ગૃહમાં વિપક્ષ દ્વારા દલિત વિરોધી યે સરકાર નહી ચલેગી, નહી ચલેગીના જોરદાર નારા અને સૂત્રોચ્ચાર શરૂ થઇ ગયા હતા.

મેવાણીનું માઇક બંધ કરવાના નિર્ણયનો વિરોધ કરી વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઇ ગયા હતા અને જોરદાર હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ઉગ્ર માંગ કરી હતી કે, પાટણકાંડ મામલે સરકારે જવાબ આપવો જ પડશે. દરમ્યાન મેવાણીએ સરકાર વિરૂધ્ધની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, ગૃહમાં આજે પાટણકાંડ મામલે તેમણે, કોંગ્રેસના ધારાસભ્યો કીરીટ પટેલ, શૈલેષ  પરમાર અને ચંદન ઠાકોરે ૧૧૬ની નોટિસ આપી હતી પરંતુ ખૂબ જ સંવેદનશીલ એવા આ મુદ્દે સરકાર હજુ સુુધી ગૃહમાં કોઇ ખાતરી આપવા તૈયાર નથી. આઘાતજનક વાત એ છે કે, સરકાર પાસે આ પ્રશ્નોનો કોઇ જવાબ જ નથી.

(9:57 pm IST)