Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પાટણના આત્મદાહ પ્રકરણની તપાસ કરવાના બદલે રાજ્ય સરકાર દબાવવાનો પ્રયાસ કરે છેઃ વિધાનસભામાં અલ્પેશ ઠાકોરની સટાસટી

ગાંધીનગરઃ પાટણ જિલ્લા કલેકટર કચેરીના સમી તાલુકાના દુદખા ગામના પૂર્વ તલાટી મંત્રી અને દલિત સમાજના આગેવાન ભાનુભાઇ વણકરે આત્મવિલોપન કરી લેતા આ અંગે રાજ્ય સરકાર સામે ઓબીસી અેકતા મંચના અલ્‍પેશ ઠાકોરે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવીને સરકાર સામે રોષ વ્‍યક્ત કર્યો હતો.

આ મુદ્દો આજે ગુજરાત વિધાનસભામાં દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસે ઉઠાવ્યો હતો. જો કે આ મુદ્દે બોલવા ઉભા થયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું માઈક અધ્યક્ષની સુચનાથી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેનો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્રમક વિરોધ કર્યો હતો.

પાટણ દલિત અગ્નિસ્નાન મુદ્દે દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કરેલા વિરોધ બાદ કોંગ્રેસ પણ તેમના પક્ષમાં આવ્યું હતું. તેમજ આ મુદ્દે ધારાસભ્ય સાથે કરવામાં આવેલા વર્તનની ટીકા કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર પાટણકાંડ માટે સરકાર જવાબદાર છે. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહી છે.

આ મુદ્દે સરકારે સંવેદનશીલ થવાની જરુર છે. પરંતુ લાગે છે કે સરકારે સંવેદનશીલતા ગુમાવી દીધી છે. આ મુદે આત્મદાહની તપાસ કરવાના બદલે સરકાર તેને દબાવવાનો પ્રયાસ કરે છે.આ સમગ્ર કિસ્સામાં કલેકટર અને મામલતદાર કચેરીએ પોઝીટીવ રીપોર્ટ આપ્યા બાદ પણ ગાંધીનગરમાં બેઠેલા રેવન્યુ અધિકારીઓ આ અંગે કોઈ જ પગલા લીધા ન હતા. જેના લીધે આ આક્રમક પગલું ભરવામાં આવ્યું છે. ભાજપ સરકારની સંવેદના મરી પરવારી છે

(6:36 pm IST)