Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સાબરકાંઠાના કઠવાડીમાં મકાનમાં ઘુસી શખ્સે પરિણીતા સાથે છેડછાડ કરી

સાબરકાંઠા: જિલ્લાના વિજયનગર તાલુકાના કઠવાડી ગામમાં એક મકાનમાં ચોરીછૂપીથી પ્રવેશેલા શખ્સે પરિણીતાની શારીરિક છેડછાડ કરીને તેની લાજ લૂંટવાનો પ્રયાસ કરતા ગામલોકોમાં હોબાળો મચી ગયો હતો. દરમ્યાન પરિણીતા તેના પરિવારની વડીલ મહિલા સાથે આરોપીના આ કૃત્ય બદલ ઠપકો આપવા ગયા ત્યારે નારાજ બનેલા પરિવારે તેમને ગાળો ભાંડવા સાથે ગડદાપાટુનો માર મારીને જોઇ લેવાની ધમકી આપી હતી. કઠવાડી ગામ વસાહતની પરિણીતાની ફરિયાદના આધારે વિજયનગર પોલીસે આ જ ગામના એક પરિવારના ચાર સભ્યોના વિરૃધ્ધ ગૂનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પરિણીતાએ તેની ફરિયાદમાં આરોપીઓ તરીકે (૧) અર્જુનસિંહ પ્રતાપસિંહ ચૌહામ, (૨) આનંદબા અર્જુનસિંહ ચૌહાણ, (૩) દિનેશસિંહ પ્રતાપસિંહ ચૌહાણ અને (૪) કૈલાસબા દિનેશસિંહ ચૌહાણનો સમાવેશ કર્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ બનાવ ગત તા. ૨૩મીને શુક્રવારની સાંજના સાડા સાતેક વાગ્યાના સૂમારે બન્યો હતો. પરિણીતા તેના ઘરમાં એકલી જ હોવાની જાણ થતાં આરોપી અર્જુનસિંહ ચૌહાણે ચોરીછૂપીથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ પછી પરિણીતાની સાથે શારીરિક અડપલા કરીને તેની લાજ લૂંટવાની કોશિશ કરી ત્યારે મદદ માટે બૂમરાણ મચાવી મૂકશે તેવું જણાતાં આરોપી ત્યાંથી નાસી છુટયો હતો. ત્યારબાદ પરિણીતા તેના પરિવારની વડીલ મહિલાને સાથે લઇને ઠપકો આપવા આરોપીના ઘેર ગયા હતા. જ્યાં નારાજ બનેલા પરિવારના સભ્યોએ તેમને ગાળો ભાંડવા સાથે ગડદાપાટુનો માર મારીને જોઇ લેવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

(5:47 pm IST)