Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમદાવાદના અખબારનગર સર્કલ પાસે બીઆરટીએસ બસની ઠોકરે ચડી જતા રાજસ્થાની યુવતીનું ઘટનાસ્થળે જ મોત : લાઇસન્સ પરથી ઓળખ મળી

અમદાવાદ,તા. ૨૬ : શહેરના અખબારનગર સર્કલ પાસે આજે પૂરપાટઝડપે આવી રહેલી બીઆરટીએસ બસે એક એકટિવાચાલક યુવતીને અડફેટે લેતાં બસની જોરદાર ટક્કરથી મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા, હાજર લોકોએ લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાના મૃતદેહ પર કપડું ઓઢાડી દીધુ હતું. સ્થાનિક લોકોમાં બીઆરટીએસ બસના ડ્રાઇવર વિરૂધ્ધ ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આરટીઓથી શિવરંજની રૂટ પર રોજની બીઆરટીએસ બસ આવનજાવન કરતી હોય છે, જેમાં આજે બપોરે માંતેલા સાંઢની જેમ આવેલી બીઆરટીએસ બસે અચાનક જ એકટિવાચાલક યુવતીને અડફેટે લીધી હતી, બસની જોરદાર ટક્કર વાગવાથી યુવતી જોરથી જમીન પર ફસડાઇને પટકાઇ હતી. જેના કારણે તેણીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત સર્જાતાં જ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને યુવતીને ૧૦૮ બોલાવી હોસ્પિટલ લઇ જઇ સારવાર કરાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ યુવતીનું ત્યાં જ મોત નીપજયું હોઇ એકત્ર થયેલા લોકોએ ભારે અફસોસ વ્યકત કર્યો હતો અને અરેરાટીની લાગણી વ્યકત કરી હતી. કેટલાક માનવતાવાદી લોકોએ લોહીલુહાણ હાલતમાં પડેલી યુવતી પર કપડુ ઢાંકી દીધુ હતુ કે જેથી જાહેરમાર્ગ પરથી પસાર થઇ રહેલા લોકો પર તેની વિપરીત અસર ના પડે. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવતીની ઓળખ અને તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતીનું નામ નેહા શર્મા હોવાનું સામે આવ્યું હતું અને તે આબુ રોડ ખાતે રહેતી હોવાનું તેણીના લાયસન્સમાં ઉલ્લેખ હોવાનું જણાયું હતું. પોલીસે તેના આધારે યુવતીના પરિજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે અને ઘટનાસ્થળે ઉમટેલી ભારે ભીડના કારણે થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. લોકોએ બીઆરટીએસ બસના ડ્રાયવર વિરૂધ્ધ આક્રોશ વ્યકત કરી કાયદાકીય પગલાં લેવા માંગણી કરી હતી. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

(7:32 pm IST)