Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન સમયે મોતને ભેટેલા બે મૃતકોના પરિવારને વળતર અને દોષિતો સામે કાર્યવાહીની માંગ સાથે પાટીદાર યુવકની આત્મવિલોપનની ચિમકીઃ અટકાયત

બનાસકાંઠાઃ પાટીદાર સમાજને અનામત અપાવવાની માંગણી સાથે પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલન દરમિયાન પાલનપુરના બે યુવકોના પોલીસ ફાયરીંગમાં મોત નિપજ્યા હતાં. આ મૃતકોના પરિવારજનોને વળતર અને દોષિતો સામે કાર્યવાહીની માંગણી સાથે પાલનપુર કલેકટર કચેરીઅે આત્મવિલોપન કરવાની ચિમકી આપતા દોડધામ મચી ગઇ છે. પોલીસે આ યુવાનની અટકાયત કરી હતી.

આ યુવાનની ચિમકીના ૫ગલે કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ પાટણ કાંડનું પુનરાવર્તન ન થાય તે માટે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તૈનાત કરાયો હતો. જો કે બ્રિજેશ પટેલ નામનો આ યુવાન કંઇ ૫ગલુ ભરે તે ૫હેલા જ તેની પોલીસે અટકાયત કરી હતી. આ યુવાનની અટકાયત કરતા પાટીદાર લોકોમાં નારાજગી છે. અને તેઓ કલેકટરને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરવાના છે. પાટીદાર અનામત આંદોલન સમયે પોલીસ ફાયરિંગમાં બે વ્યક્તિના મોત થયા હતા. ત્યારે મૃતકોના પરિવારને વળતર અને દોષિતો સામે કાર્યવાહીની માંગ સાથે પાટીદાર યુવકે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

(4:42 pm IST)