Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

CSની પરીક્ષામાં દેશભરમાં પાંચમાં સ્થાને આવી મજૂરની દીકરી

અમદાવાદ તા. ૨૬ : પરિવારનું ગુજરાન ચલાવવા અને પોતાની બે દીકરીઓને ભણાવવા માટે કડિયાકામ કરતા અનિલ પ્રજાપતિ અને સીવણકામ કરતાં ઈલા પ્રજાપતિ માટે રવિવારનો દિવસ અત્યંત ખુશી અને ગર્વનો દિવસ હતો. કંપની સેક્રેટરી એકિઝકયુટિવ પરીક્ષાના રવિવારના રોજ જાહેર થયેલા પરિણામમાં તેમની દીકરી ધ્વની પ્રજાપતિએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં પાંચમું સ્થાન મેળવ્યું છે.

જો અમદાવાદ સેન્ટરની વાત કરીએ તો ધ્વની ૬૫.૮૬% સાથે પ્રથમ સ્થાને આવી છે. નવેમ્બર, ૨૦૧૭માં થયેલી CSની પરીક્ષામાં તેણે ૪૬૧ માકર્સ મેળવ્યા છે. એકિઝકયુટિવ પ્રોગ્રામની પરીક્ષામાં આટલું સારું પરિણામ મેળવ્યા પછી હવે તેનો ધ્યેય પ્રોફેશન પ્રોગ્રામ એટલે કે ફાઈનલ પરીક્ષા પર છે.

૧૮ વર્ષીય ધ્વનિ જણાવે છે કે, ફાઉન્ડેશન સ્ટેજમાં હું AIRમાં ૧૧મા સ્થાને હતી. ૧૦મા ધોરણમાં મેં ૮૫ ટકા જયારે ૧૨ કોમર્સમાં મેં ૯૦ ટકા મેળવ્યા હતા. જયારે હું ૧૧મા ધોરણમાં ભણતી હતી ત્યારે કંપની સેક્રેટરીને લગતો વિષય મને રસપ્રદ લાગ્યો હતો, અને ત્યારથી જ મેં આ કોર્સ કરવાનું નક્કી કર્યુ હતું.

ધ્વનિ જણાવે છે કે, સમાજના અમુક લોકો મારા પપ્પાને સલાહ આપે છે કે દીકરીઓને ભણાવવા પાછળ પૈસા ન વાપરો. મારી નાની બહેન ૧૨મા ધોરણમાં છે. પરંતુ મારા પિતા દીકરા અને દીકરીમાં કોઈ અંતર નથી રાખતા. પેરેન્ટ્સ તરફથી મને સતત પ્રોત્સાહન મળતું રહે છે. ધ્વનિ જણાવે છે કે, પરીક્ષા સુધી હું સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. દરરોજ આઠ કલાક કોચિંગ કલાસમાં જતી હતી અને ઘરે આવીને રિવિઝન કરતી હતી.(૨૧.૧૩)

(1:17 pm IST)