Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

આ રીતે દર મહિને બચાવો ૧૦૦૦ રૂપિયા થોડા વર્ષોમાં બની જશો લાખોપતિ

અમદાવાદ તા. ૨૬ : તમે પેલી અંગ્રેજી કહેવત તો સાંભળી જ હશે કે, 'પેની સેવ ઇઝ પેની અર્ન'ત્યારે જો દર મહિને તમે ૧૦૦૦-૨૦૦૦ જેટલા રૂપિયા સેવ કરી શકો તો મુશ્કેલીના સમયમાં આ જ સેવિંગ્સ કામ આવશે. તે માટે સારી વાત તો એ છે કે તમે તમારી પહેલી નોકરીથી જ પૈસા બચાવવાની શરુઆત કરો. જોટલું રોકાણ વધુ કરશો તેટલા વધુ નફામાં રહેશો.

સેવિંગ એકાઉન્ટમાં પડેલા પૈસાને જો તમે રોકાણ માનતા હોવ તો તે એક ભૂલ છે. કેમ કે સેવિંગ્સમાં ૩.૫ ટકા જેટલું જ વ્યાજ મળે છે. જયારે બેંક આ જ પૈસાને કયાંક રોકીને પોતે કમાઈ રહી છે. માટે થોડું આળસ છોડો અને તમે જાતે જ તમારા પૈસા રોકાણ કરતા શીખો.

જો તમે ઇકિવટી માર્કેટ નથી સમજતા તો ચિંતા કરવાની જરુર નથી. કેમ કે તમને પ્લેન નથી ચલાવતા આવડતું તેનો મતલબ એ નથી કે તમે પ્લેનમાં બેસી ન શકો. તમે પ્રવાસી તરીકે પણ પ્લેનમાં બેસીને પ્રવાસનો સમય બચાવી શકો છો. કોઈ નિષ્ણાંતની મદદ લો શરમાવ નહીં કેમ કે જેટલા તમે શેર બજારથી દૂર ભાગશો તેટલું નુકસાન તમને જ છે.

જયારે તમારી પાસે પૈસા આવે ત્યારથી બચત કરવાનું શરુ કરી દેવું જોઈએ. તમારી પહેલી નોકરી લાગે ત્યારથી જ બચત કરો જો તમે દર મહિને ૧૦૦૦ રૂપિયા ૩૦ વર્ષ સુધી બચાવો છો તો તે જમા થતા થતા રૂ. ૫૪ લાખ બની જાય છે. જો તમે આ નોકરી મળ્યાના ૫ વર્ષ પછી રોકાણ કરવાનું શરુ કરો તો ૨૫ વર્ષમાં આ રોકાણ ઘટીને ૨૬ લાખ થઈ જાય છે.

શેર બજારમાં ચોક્કસ જોખમ છે પરંતુ તે જુગાર નથી. જોખમ ઉઠાવવું અને જુગાર રમવો આ બંનેમાં રહેલા નાનાકડા તફાવતને સમજો. જોખમ તો છે પરંતુ જો ગણતરી પૂર્વક લેવામાં આવે તો નુકસાન જવાનો ભય નહીવત્ રહે છે. બાકી તો તમે ઘરની બહાર નીકળો છો તેમાં પણ રિસ્ક તો રહેલું જ છે. તેમ છતા તમે નીકળો તો છો જ ને, જોખમની ગણતરી કરી તેને ઓછું કરી શકાય છે.(૨૧.૧૨)

(1:19 pm IST)