Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સસ્તી ફલાઇટ નામે ૧૮ વર્ષ જૂનું પ્લેન, ૧૭ વર્ષથી તો આ પ્લેનનું પ્રોડકશન પણ બંધ

જૂના એરક્રાફટ સાથે શરૂ કરાઇ નવી અમદાવાદ - દીવ ફલાઇટ

અમદાવાદ તા. ૨૬ : બે દિવસ પહેલા શનિવારે અમદાવાદથી ગુજરાતના ગોવા ગણાતા દિવને જોડતી વિમાન સેવાનું ઉધ્ઘાટન કરવામાં આવ્યું. એર ઓડિશાની ફલાઇટ માત્ર ૬૫ મિનિટમાં તમને અમદાવાદથી દીવ લઈ જશે. જેથી વીકએન્ડ અને હોલિડેઝમાં દીવ જવા માટે હવે ઓવરનાઈટ જર્ની કરવાની જરુર નથી. તો માત્ર રુપિયા ૨૦૫૦માં અમદાવાદથી દીવની હવાઈ સફરનું સાંભળીને દરેકને સારુ લાગે છે.

જોકે નિષ્ણાંતોને એ પ્રશ્ન વધુ મુંઝવી રહ્યો છે કે ૧૮ વર્ષ જૂના આ પ્લેનનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ કઈ રીતે થશે. કેમ કે આ પ્રકારનું બીચક્રાફટ બનાવતી કંપનીએ તો પ્લેનના આ મોડેલનું ઉત્પાદન પણ ૧૭ વર્ષથી બંધ કરી દીધું છે. વર્ષ ૨૦૦૦ની સાલથી આ પ્લેન પોતાની સર્વિસ આપી રહ્યું છે. જો પ્લેનના સેન્સર અને એન્જિનમાં જરા સરખી પણ ખરાબી આવી તો તેના પાર્ટને રીપેર કરવા ખૂબ મશ્કેલ પડશે તેવું એવિએશન નિષ્ણાંતો સ્પષ્ટપણે માની રહ્યા છે.આ મુદ્દે એર ઓડિશા અને એર ડેક્કનની સ્ટ્રેટેજીક પાર્ટનર GSECના ડિરેકટર શૈશવ શાહ કહે છે કે, 'આ મોડેલનું એરક્રાફટ તો વિશ્વભરમાં એર ટેકસી તરીકે યુઝ થાય જ છે. આ અમારી પહેલી ફલાઇટ છે માટે અમે હાલ નાની કેપિસિટીના પ્લેન અંગે વિચારી રહ્યા છીએ. અમારી મુંદ્રાની ફલાઇટ પણ ફૂલ પેકડ હતી અને દીવની ફલાઇટ પણ પેક થઈ ગઈ છે જેથી રિસ્પોન્સ જોતા હવે અમે એરક્રાફટને અપગ્રેડ કરશું. હાલ તો મેન્યુફેકચરિંગ કંપનીએ અમને વાયદો કર્યો છે કે તે કોઈપણ જરુરી સ્પેરપાર્ટ્સ અમને મોકલી આપશે.'

દેશમાં કેન્દ્રની સસ્તી ફલાઇટ સેવા અંતર્ગત બીજી એર સર્વિસ પ્રોવાઇડ કરતી કંપનીઓ બોમ્બાર્ડિયરના ૭૨ સીટર Q-400 અને ATRના ૪૨ સીટર પ્લેનનો યુઝ કરે છે. જયારે એરક્રાફટ મેઇન્ટેનન્સ અને ઓપરેશન સાથે જોડાયેલ એક અધિકારીએ કહ્યું કે, 'જો બીચક્રાફટ પ્લેન મેઇન્ટેન્સમાં જાય છે તો જયાં સુધી તેને બનાવનાર કંપની જે તે પાર્ટનું રિપ્લેસમેન્ટ ન મોકલે ત્યાં સુધી આ હવાઈ સેવાના રુટ પર અસર પડી શકે છે.'

બીચક્રાફટ કંપનીએ તેના આ મોડેલ 1900D બનાવવાનું ૨૦૦૧માં જ બંધ કરી દીધું છે. જયારે ફલાઇટ ઓપરેશન સાથે જોડાયે એક અન્ય ઉચ્ચ અધિકારીએ પણ માન્યું કે, 'જો ફલાઇટના કોઈ પાર્ટમાં ખરાબી આવે તો નવા પાર્ટ લઈને તેને ફીટ કરવા ખૂબ અઘરું કામ છે.' ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ગુજરાતમાં ઇન્ટરસ્ટેટ એટલે કે રાજયની અંદર એકબીજા શહેરોને જોડતી એરલાઇન સર્વિસ શરુ કરવાના એક નહીં પણ ત્રણ ત્રણ પ્રસાયો નિષ્ફળ રહ્યા છે.આવો છેલ્લો પ્રયાસ ૨૦૧૪માં રાજય સરકાર દ્વારા ડીપોઝિટની રકમ ન મળતા એર સર્વિસ કંપનીએ પોતાની સેવા બંધ કરી હતી. જે બાદ ફરી એકવાર શનિવારે વડાપ્રધાન મોદીના હસ્તે દીવથી દમણ હેલીકોપ્ટર સર્વિસ અને અમદાવાદથી દીવ ફલાઇટ સર્વિસ શરુ કરવામાં આવી છે. આ તકે તેમણે કહ્યું હતું કે, 'હેલિકોપ્ટર અને ફલાઇટ સર્વિસ શરુ થવાથી દીવ અને દમણના ટુરિઝમને વધુ બુસ્ટ મળશે.'(૨૧.૧૪)

(11:45 am IST)