Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વિકાસ ગાંડો થયો છેઃ અત્યાચાર, બેરોજગારી અને ખેડૂતોને હાડમારી

વિધાનસભામાં સરકારને આડે હાથ લેતા શૈલેષ પરમાર

અમદાવાદ, તા. ૨૬ :. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમારે વિધાનસભામાં રાજ્યપાલ શ્રીના સંબોધન પરની ચર્ચામાં ભાગ લેતા શાયરીથી શરૂઆત કરતા જણાવ્યું હતુ કે,

' ન સોચા કરો જ્યાદા, હમ કમજોર હો જાયેંગે,

પૂરા કરેંગે વાદા, આપકો આસમાન સે ધરતી પર લે આયેંગે..'

શ્રી પરમારે જણાવ્યું હતું કે, ગાંધી પરિવાર અને નહેરૂ પરિવારની વાત કરીને છાશવારે વિધાનસભામાં સવાલો ઉઠતાં રહ્યા છે. અંગ્રેજો સામેની લડાઈમાં પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરૂ સહિત અનેક યોદ્ધાઓ હતા કે જે આઝાદી માટે લડતા હતા. જવાહરલાલ નહેરૂ ભલે ભારત દેશના ૧૬ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા હોય પરંતુ તેઓને અંગ્રેજોએ ૧૮ વર્ષ સુધી જેલમાં રાખ્યા હતા તે પણ એક ઈતિહાસ છે. તેમના દીકરી ઈન્દીરા ગાંધી કે જેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા અને બાંગ્લાદેશને છુટું પાડી દીધું હતું. ભાજપના વરિષ્ઠ નેતા શ્રી અટલબિહારી વાજપેયીએ પણ તેઓને વિરાંગના અને દુર્ગાનું નામ આપ્યું હતુ. કોંગ્રેસ પક્ષ માત્ર આતંકવાદ અને ત્રાસવાદની ખાલી વાતો નથી કરતો એનું પરિણામ પણ લાવીને બતાવે છે.

શ્રી પરમારે જણાવ્યું હતું કે, સ્વ. રાજીવ ગાંધીની કે જેઓ ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા હતા કે જેમણે દેશને ૨૧મી સદી તરફ લઈ જવાની કૂચ કરી, ૧૮ વર્ષના યુવાનોને મતનો અધિકાર આપ્યો, પંચાયતી રાજની તેમણે શરૂઆત કરી હતી. ગાંધી પરિવારના બે સભ્યો - સ્વ. ઈન્દીરાજી અને સ્વ. રાજીવ ગાંધી આ દેશની એકતા અને અખંડિતતા માટે શહીદ થયા છે. શ્રીમતી સોનિયા ગાંધીએ યુપીએની સરકારમાં વડાપ્રધાન પદ ઠુકરાવ્યું હતુ અને દેશના મોટામાં મોટા અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહને દેશના વડાપ્રધાન તરીકે ઉભા કર્યા અને સાંજે એ ત્યાગની મૂર્તિ તરીકે ઓળખાય છે.

સરકાર પર પ્રહાર કરતાં શ્રી પરમારે જણાવ્યું હતુ કે, આ સરકાર પારદર્શિતાની માત્ર વાતો જ કરે છે. કેગનો રિપોર્ટ સત્રની શરૂઆતમાં મુકવો જોઈએ, જસ્ટીસ એમ.બી. શાહનો રીપોર્ટ વિધાનસભામાં ચર્ચા માટે મુકવો જોઈએ. સુજલામ-સુફલામનો રીપોર્ટ ગૃહમાં રજુ કરવો જોઈએ અને આવા તો અનેક રીપોર્ટ છે જે ગૃહમાં રજૂ થતા નથી. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ પીડીપી સાથે સત્તામાં ભાગીદાર છે, જ્યાં અલગતાવાદીઓ ત્રાસ ગુજારતા હોય, પોલીસ-મિલેટ્રી ઉપર પથ્થરમારો થતો હોય ત્યાં સત્તા શું કામની ? એમની સામે પગલાં લેનાર પોલીસ-મિલેટ્રી ઉપર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં ન આવ્યા અને ભાજપનો એક પણ નેતા ઉફ પણ ન બોલ્યો એવી સત્તા શું કામની ?

શ્રી પરમારે કટાક્ષ કરતાં જણાવ્યુ હતું કે, આજે દેશમાં મોદીઓનો જમાનો છે - લલિતા મોદી, નીરવ મોદી. જેને જુઓ તે વિદેશ ભાગી જાય છે. ડો. મનમોહનસિંહ પાકિસ્તાન સાથે ગુપ્ત મીટીંગ કરે છે તે ભાજપને ખબર પડે છે પરંતુ વિજય માલ્યા, લલિત મોદી, નીરવ મોદી કે જે દેશને ચૂનો લગાડી જતા રહે છે તે કયાં છે તે ભાજપને ખબર પડતી નથી.

ગુજરાતમાં એક સૂત્ર ચાલ્યું હતું કે 'વિકાસ ગાંડો થયો છે.'  પછી સૂત્રો આવ્યું  કે 'હું ગુજરાત છું, હું વિકાસ છું' ત્યારે ગુજરાતની પ્રજાએ કેમ કહેવું પડયું કે 'વિકાસ ગાંડો થયો છે'. પ્રજાએ એટલા માટે કહ્યું છે કે, (૧) યુવાનોને રોજગારી મળતી નથી માટે વિકાસ ગાંડો થયો છે, (૨) ખેડૂતોને વિજળી મળતી નથી માટે વિકાસ ગાંડો થયો છે, (૩) મહિલાઓ પર અત્યાચાર થાય છે માટે વિકાસ ગાંડો થયો છે, (૪) બાળકો કુપોષણથી પીડાય છે માટે વિકાસ ગાંડો થયો છે, (૫) નોકરીયાતોને પુરતો પગાર મળતો નથી માટે વિકાસ ગાંડો થયો છે, (૬) શાળાઓના ઓરડા નથી માટે વિકાસ ગાંડો થયો છે, (૭) હોસ્પીટલો છે પણ ડોકટરો નથી માટે વિકાસ ગાંડો થયો છે, (૮) ગુજરાતને દેવામાં ડૂબાડયું માટે વિકાસ ગાંડો થયો છે તેમ શ્રી પરમારે જણાવ્યું હતું.(૨-૧)

(9:53 am IST)