Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ચહેરા પરના રીંકલ્સને દુર કરી યુવાન દેખાવા માટે દહીં, પાઇનેપલ, ચોખાનો લોટ, નાળીયેરનું તેલ તથા કેળાનો ઘરગથ્થુ ઉપચાર કરી ચહેરાને સુંદર બનાવી શકાય

મોઘા બ્યુટી પ્રોડકટનો ઉપયોગ કરવાથી સાઇડ ઇફેકટ થઇ શકે.

સુંદર દેખાવું કોને ના ગમે. યુવક હોય કે યુવતી, આજકાલ દરેક વ્યક્તિ સુંદર દેખાવા માટે ખુબ મહેનત કરે છે. સુંદર દેખાવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને વિવિધ ટ્રીટમેન્ટ સુધી લોકો અનેક રીતો અજમાવતા હોય છે. પરંતુ વધતી ઉંમર ઘણીવાર તમારી પાસેથી આ સુંદરતા છીનવી લે છે. ચહેરા પરના રીંકલ્સ એ માત્ર ઘરડા થવાની નિશાની નથી. પણ તમારી સુંદરતા ઓછી થાય છે તેની પણ નિશાની છે. આવી સ્થિતિમાં, આ કરચલીઓથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. જેથી તમારી સુંદરતામાં ઘટાડો ના થાય. જો તમે પણ રીંકલ્સની સમસ્યાથી પરેશાન છો, તો તમે આ ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો.

દહી
જો તમે રીંકલ્સથી છુટકારો મેળવવા માગતા હોવ તો તેના માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. મોઢા પર દહીંનો ફેસ માસ્ક લગાવવાથી રીંકલ્સથી છુટકારો મળી શકે છે. બે ચમચી દહીંમાં એક ચમચી મધ, એક વિટામિન ઈની ગોળી અને થોડો લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો અને પછી સાદા પાણીથી ચહેરો ધોવો. જ્યાં તમે દહીંના ઉપયોગથી ડેડ સ્કીનથી છુટકારો મેળવી શક્શો.ત્યાં લીંબુમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ત્વચાને ટાઈટ કરવામાં મદદ કરશે.

પાઈનેપલ
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પાઈનેપલ એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર છે. તેમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ હીલિંગ પ્રક્રિયાને વધારે છે. જ્યારે વિટામિન સી કોલાજન વધારવામાં મદદરૂપ છે. આવી સ્થિતિમાં પાઈનેપલના રસથી ચહેરા અને ગળ પર 5 મિનિટ સુધી મસાજ કરવાથી ફાયદો થશે.

ચોખાનો લોટ
આજકાલ બ્યુટી કેર પ્રોડક્ટ્સમાં ચોખાના લોટ કે પાણીનો ઉપયોગ ઘણો વધી ગયો છે. કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સની ખૂબ માગ છે. આવી સ્થિતિમાં જો તમે પણ ચહેરા પરના રીંકલ્સથી છુટકારો મેળવવા માગો છો તો તમે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે ચોખાના લોટમાં ગુલાબજળ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આ ફેસ પેક અઠવાડિયામાં એકવાર લગાવી શકાય છે.

નારિયેળનું તેલ
નારિયેળનું તેલ, જે કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે, તે રીંકલ્સને રોકવામાં પણ મદદરૂપ છે. જો તમે તેનાથી છૂટકારો મેળવવા માગતા હોવ તો રોજ રાત્રે ઉંઘતી વખતે મોઢા પર નારિયેળનું તેલ લગાવો. જો કે, જો તમારી ત્વચા ઓઈલી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો.

કેળા
કેળાનો ઉપયોગ રીંકલ્સ માટે પણ કરી શકાય છે. વિટામિન A, B6 અને Cથી ભરપૂર કેળા માત્ર રીંકલ્સ જ ઓછા નથી કરતા, પરંતુ ફ્રી રેડિકલના કારણે થતા નુકસાનથી પણ ત્વચાને બચાવે છે. કેળાને મેશ કર્યા પછી તેને ચહેરા પર લગાવો અને 15થી 20 મિનિટ માટે રહેવા દો. પછી પાણીથી મોં ધોઈ લો. તમે અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરી શકો છો.

(7:40 pm IST)