Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

આણંદ તાલુકાના વલાસણ ગામે સગીરાને લગ્નના ઈરાદે ભગાડી લઇ જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સુનવણી કરી

આણંદ : આણંદ તાલુકાના વલાસણ ગામે લગભગ પોણા બે વર્ષ પૂર્વે એક સગીરાને લગ્ન કરવાના ઈરાદે ભગાડી લઈ ગયા બાદ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં આણંદની કોર્ટે અડાસના શખ્સને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

આણંદ તાલુકાના અડાસ ગામે ટેકરા ધરોડિયા વિસ્તારમાં રહેતો સંજય રમણભાઈ ગોહેલ ૫-૪-૨૦૨૧ના રોજ રાત્રિના સુમારે વલાસણ ગામની એક ૧૪ વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો. ત્યાર બાદ સંજય ગોહેલ સગીરાને ચોટીલા ખાતે આવેલી અલગ-અલગ હોટલમાં લઈ ગયો હતો અને અવારનવાર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. 

આ બનાવ અંગે સગીરાના પરિવારજનોએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય ગોહેલ વિરુદ્ધ ગુનો નોંધી ૨૦-૭-૨૦૨૧ના રોજ તેને ઝડપી પાડયો હતો.

આ કેસ આણંદના સ્પેશિયલ જજ અને એડિશનલ જજની અદાલત સમક્ષ ચાલી જતાં ફરિયાદી પક્ષે ઉપસ્થિત સરકારી વકીલની દલીલો તથા ૧૩ સાક્ષી અને ૨૭ દસ્તાવેજી પુરાવા ચકાસ્યા બાદ ન્યાયાધીશે સંજયભાઈ રમણભાઈ ગોહેલને આજીવન કેદની સજા સંભળાવી હતી. સાથે સાથે રૂ.૨૨ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનારને રૂ. ૫ લાખ વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

(5:45 pm IST)