Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાના શાસકોની બેદરકારીના કારણોસર સફાઈ હાથ ધરવામાં ન આવતા ઠેર ઠેર કચરાના ઢગલાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

 

બનાસકાંઠા:જિલ્લાનું વડુ મથક પાલનપુર શહેર એક સમયે ફૂલો અને અત્તરોના નગર તરીકે પ્રસિદ્ધ હતું.જે નગર હાલ નગરપાલિકાના પ્રવર્તમાન શાસકોની લાપરવાહીના કારણે સફાઈ માટે વર્ષે કરોડોનો ખર્ચ કરવા છતાં પારાવાર ગંદકીમાં ખદબદી રહ્યું છે.જેથી લોકોમાં રોષની લાગણી છવાઈ છે.

સરકાર દ્રારા દેશભરમાં સ્વચ્છતાને પ્રાધ્યાન આપી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ત્યારે સ્વચ્છતા બાબતે પાલનપુરમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે .શહેરના રોડ ,રસ્તા અને રહેણાંક વિસ્તારોમાંથી સૂકો અને લીલા કચરાને એકત્ર કરી તેનો ડંપિંગ સાઈડ પર નિકાલ કરવા નગર પાલિકા દ્રારા એક ખાનગી કંપનીને ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે માસિક ૩૩ લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.પરંતુ આ એજન્સી ડોર ટુ ડોર  અને શહેરમાં લાગેલ કચરાના સ્ટેન્ડ પરથી ધન કચરો ઉપાડવામાં સરેઆમ લાપરવાહી દાખવતી હોવાથી શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગ ખડકાયા છે.જેને લઈ હાલ કોરોના મહામારીના સમયે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે.ત્યારે નગરપાલિકાના શાસકો શહેરને સ્વચ્છ રાખવા તેમજ સરકાર ના સ્વચ્છ ભારત અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા ડોર ટુ ડોર કામગીરીને વેગવંતી બનાવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

 

(7:14 pm IST)