Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

આદિવાસીઓના ઉત્થાન માટે રમીલાબેન ગામિતને મળ્યુ દેશનુ સર્વોચ્ચ સન્માન

આ ગરીબ આદિવાસી મહિલાએ પોતાના ગામને સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવા કમર કસીને ગામની મહિલાઓ અને પુરુષોને સમજાવી સરકારના મિશન મંગલ કાર્યક્રમ અંતર્ગત તેના ગામમાં સો ટકા શૌચાલયો બનાવી સ્વ્ચ્છતા ક્ષેત્રે ગામને એક નવી રાહ બતાવી

 

તાપી: કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારની જાહેરાતમાં 7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ, સુરતના સવજી ધોળકિયાને પદ્મ શ્રી, ડૉ.લતા દેસાઈ, માલજી દેસાઈને પદ્મ શ્રી, રમીલાબેન ગામીતને પદ્મ શ્રી, ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મ શ્રી, ગુરુપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત પદ્મ શ્રી સન્માન આપવામાં આવશે. ત્યારે અનેક લોકો માટે રમીલાબેન ગામિતનુ નામ નવુ છે. પરંતુ તેમની કામગીરી આસમાનને આંબે તેવી છે.

તાપી જિલ્લાંની એક આદિવાસી મહિલાએ સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં તાપી જિલ્લાનું નામ ગૌરવવંતુ બનાવ્યું છે, ગરીબ આદિવાસી મહિલાએ પોતાના ગામને સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવા કમર કસીને ગામની મહિલાઓ અને પુરુષોને સમજાવી સરકારના મિશન મંગલ કાર્યક્રમ અંતર્ગત તેના ગામમાં સો ટકા શૌચાલયો બનાવી સ્વ્ચ્છતા ક્ષેત્રે ગામને એક નવી રાહ બતાવી છે. આવા અનેક કાર્ય કરવા બદલ આદિવાસી મહિલાને આજે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.

આદિવાસી બહુલ એવા તાપી જિલ્લાના ઊંડાણના ટાપરવાળા ગામની એક આદિવાસી મહિલા રમીલાબેન ગામીતે સામાજિક ક્ષેત્રે સારી કામગીરી કરી હતી. તેમને 2017 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ મહિલા દિનની ઉજવણીમાં સન્માનિત કરાયા હતા. ભારત દેશની દસ જેટલી મહિલાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આદિવાસી મહિલા દ્વારા તેમના વિસ્તારમાં લોક કલ્યાણની ગાથા અવિરત ચાલુ રાખવામાં આવી છએ. પોતાના અથાગ પ્રયત્નો થકી આદિવસીઓનું ભલું થાય તે દિશામાં કામગીરી આવીરત ચાલુ રાખતા આજે મહિલાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.

(11:21 am IST)