Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

સાર્વજનિક સ્થળે થુંકવું, પાન, ગુટકા, તમાકુ વગેરે ખાવા પર પ્રતિબંધ : માસ્ક નહિ પહેરનારને દંડાશે

રાજય ચૂંટણી આયોગ દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શિકા જાહેર : વખોત વખત હાથ અવશ્ય સેનેટાઇઝ કરવાના રહેશે

અમદાવાદ : કોવિડ 19 મહામારીના સમયગાળા દરમિયાન આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને રાજય ચૂંટણી આયોગ  દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજકીય પક્ષો તથા ઉમેદવારોનું ચૂંટણી પ્રચાર દરમિયાન તેનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. તેનું પાલન કરાવવા માટે નોડલ ઓફીસરની નિમણૂંક કરાઇ છે. આ સૂચનાઓનું ઉલ્લંઘન કરનારા સામે કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. 

ફ્રેબુઆરી-2021માં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયતની સામાન્ય તથા પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ કોવિડ 19 પેન્ડેમિકની સ્થિતિમાં યોજાનારી હોવાથી આ પરિસ્તિથિની ગંભીરતાને ધ્યાને લઇને ચૂંટણીના સંચાલન અનવ્યે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે અનુસરવાની આરોગ્યલક્ષી માર્ગદર્શિકા જાહેર કરી છે.

તેમાં જણાવ્યું છે કે, આ ચૂંટણના કામમાં કાર્યરત દરેક વ્યક્તિએ ચૂંટણીના દરેક તબક્કે ફેસ માસ્ક અવશ્ય પહેરવાનું રહેશે. વખોત વખત હાથ અવશ્ય સેનેટાઇઝ કરવાના રહેશે. તે માટે સેનેટાઇઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરવાની રહેશે. દરેક તબકકાના સમયે કાર્યરત દરેક કર્મચારીનું તાપમાન થર્મલ ગનથી તપાસવાનું રહેશે. સામાજિક અંતર જાળવવા માટે શક્ય હોય ત્યાં સુધી મોટા અને વધુ હોલનો ઉપયોગ કરવાનો રહેશે. કેન્દ્ર તથા રાજય સરકારે જાહેર કરેલા નિયમો મુજબ સાર્વજનિક સ્થળે થુંકવું તેમ જ પાન, 1ગુટકા, તમાકુ વગેરે ખાવા પર પ્રતિબંધ છે. અને ફેસમાસ્ક ન પહેરનારને દંડ કરવાનો રહેશે

 

આ ચૂંટણીમાં સંક્રમણ રોકવા અને તેનું નિરીક્ષણ કરવા માટે રાજય કક્ષાએ અધિક નિયામક, આરોગ્ય વિભાગની કચેરી તરફથી આરોગ્ય ખાતાના નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ કોવિડ 19 સંબંધિત વ્યવસ્થાઓની દેખરેખ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જિલ્લા કક્ષાના મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી તથા તાલુકા કક્ષાએ આરોગ્ય અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવાની રહેશે. જિલ્લા આરોગ્ય અધિકારીએ  કલેકટર સાથે સંકલન જાળવવાનું રહેશે. આ નોડલ ઓફીસર ચૂંટણી દરમિયાન કોવિડ 19ને અટકાવવા તમામ જરૂરી પગલાં લેવાય છે કે નહીં તેની ખાતરી કરશે.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, મતદાનના આગળના દિવસના કોવિડ 19 પોઝિટિવ રિપોર્ટ કેસની માહિતી સંબંધિત પ્રાંત અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી તથા આ માટે નિયુક્ત જિલ્લા, તાલુકા કક્ષાના ચૂંટણી નોડલ અધિકારીને ઉપલબ્ધ કરાવવાની રહેશે. નોડલ આરોગ્ય અધિકારી પાસે મળેલી માહિતીના આધારે પ્રાંત અધિકારી/ મામલતદાર સંબંધિત ચૂંટણી અધિકારી અને મતદાન ટુકડીને ઉપલબ્ધ કરાવશે. જયારે ડોર ટુ ડોર ઝુંબેશમાં અસલમાં હોય તેવી કોવિડ 19 માર્ગદર્શિકા સહિત વખતો વખતના કોઇપણ અન્ય પ્રતિબંધોને અધિન ઉમેદવાર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિ જઇ શકશે. તો રોડ શોમાં વાહનોનો કાફલો દર પાંચ વાહન પછી છુટો પાડવાનો રહેશે. આ વાહનોના બે કાફલા વચ્ચે 100 મીટરના અંતરના બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનો રહેશે.

જાહેર સભા યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્પષ્ટપણે નિયત કરેલા એન્ટ્રી, એકઝીટ પોઇન્ટ સહિતના મેદાનો અગાઉથી મુકરર કરી લેવાના રહેશે. મેદાનોમાં હાજરી આપનારા લોકો માટે સામાજિક અંતરના ધોરણોને જિલ્લા ચૂંટણી અધિકારીએ અગાઉથી સુનિશ્ચિત કરવાનું રહેશે. પ્રવર્તમાન સૂચનાઓ મુજબ મેળાવડામાં ઉપસ્થિતોની સંખ્યા મર્યાદાથી વધુ ન હોય તેની કાળજી રાખવાની રહેશે. આ ઉપરાંત ફેસ માસ્ક, સેનેટાઇઝર, થર્મલ ગનથી સ્ક્રીનીંગ વગેરેની ખરાઇ કરવાની રહેશે. ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોનીક/ સોશિયલ મીડીઆ મારફત કરવાની બાબતને અગ્રતા આપવાની રહશે. આ માર્ગદર્શિકાનું ઉમેદવારોએ સભા/રેલી યોજવા સમયે પાલન કરવાની રહેશે. તેમાં ખાસ કરીને તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. અને સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.

છેલ્લે એવી તાકીદ કરાઇ છે કે, કોવિડ 19થી સંક્રમિત ઉમેદવારો તેમનો પ્રચાર ઇલેકટ્રોનિક માધ્યમો પુરતો મર્યાદિત રાખવાનો રહેશે. તેમને પ્રચારમાં સામેલ થવા કે પ્રચારના સ્થળે પ્રત્યક્ષ હાજર રહેવાની છૂટ આપવામાં આવશે નહીં. આ સૂચનાઓનું ઉલ્લંઘન કરનારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -2005ની કલમ 51થી 60ની જોગવાઇઓ મુજબ તથા આઇપીસીની કલમ 188 હેઠળ કાનૂની કાર્યવાહી તથા દંડને પાત્ર ઠરશે

(8:46 pm IST)