Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

સરકારની સાથે રહીને નાગરિકોએ જે સહયોગ આપ્યો તેના પરિણામે આપણે કોરોનાના સંક્રમણને ખાળી શક્યા છીએ: મુખ્યમંત્રી રૂપાણી

વર્ષ ૨૦૨૦ પડકારોનું વર્ષ હતું અને હવે આ વર્ષ નવી આશાનું કિરણ લઇને આવ્યું છે:

અમદાવાદ : દાહોદ ખાતે ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સહભાગી બનેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમુહ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રત્યે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

  દાહોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીમાં રાજ્યપાલના હસ્તે ધ્વજ વંદન કરવાનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો છે. બંધારણના અમલ અને તે જ સર્વોપરીની ભાવના પ્રદર્શિત કરતા રાષ્ટ્રીય પર્વ સાથે લોકશાહી કાયમ બની રહે અને બંધારણમાં આપેલા અધિકારો તમામ નાગરિકોને પ્રાપ્ત થવા ઉપરાંત જનકલ્યાણ માટે લોકોના કામો થાય એ દ્રષ્ટિથી આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ.
 તેમણે ઉમેર્યુ કે, બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરે આપણને ભારતનું બંધારણ આપ્યું છે. તેની રક્ષા થાય અને પ્રજા સર્વોપરી રહે એ પ્રકારે આપણે આ પર્વની ઉજવણી કરીએ છીએ.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર બાબતે કહેતા રૂપાણીએ જણાવ્યું ગુજરાતના પનોતા પુત્ર સ્વ. કેશુભાઇ પટેલ, સ્વ. મહેશ-નરેશ કનોડિયા, સાહિત્યકાર દાદુદાન ગઢવી, ફાધર વાલેસ, ચંદ્રકાંતભાઇ મહેતાને આ પુરસ્કાર મળ્યો છે, તે આનંદની વાત છે.
  તેમણે એમ પણ કહ્યું કે, કોરોના મહામારીનો આપણે સૌએ સારી રીતે મુકાબલો કર્યો છે. હવે રસીકરણની પ્રક્રીયા પણ સારી રીતે ચાલી રહી છે. એટલે, કોરોનાના અંતની શરૂઆત થઇ ગઇ છે.
વર્ષ ૨૦૨૦ પડકારોનું વર્ષ હતું અને હવે આ વર્ષ નવી આશાનું કિરણ લઇને આવ્યું છે . ત્યારે, કોરોના મહામારી દરમિયાન સરકારની સાથે રહીને નાગરિકોએ જે સહયોગ આપ્યો છે, તેના પરિણામે આપણે કોરોનાના સંક્રમણને ખાળી શક્યા છીએ.

(7:43 pm IST)