Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

કલોલ-મહેસાણા હાઇવે નજીક હિટ એન્ડ રન:પુરપાટ ઝડપે જતી બીંકે યુવાનને હડફેટે લેતા કમકમાટીભર્યું મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલ-મહેસાણા હાઈવે ઉપર છત્રાલ નજીક આનંદપુરાના બાઈક સવાર યુવાનને અડફેટે લઈ અજાણ્યું વાહન ફરાર થઈ ગયું હતું અને ઘાયલ યુવાનને સારવાર માટે કડીથી અમદાવાદ લઈ જવાયો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. ઘટના અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.  

ગાંધીનગર શહેર અને આસપાસના હાઈવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓએ માઝા મુકી છે અને તેમાં પણ ખાસ કરીને હાઈવે માર્ગો ઉપર હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગઈકાલે કલોલ-મહેસાણા હાઈવે ઉપર છત્રાલ નજીક નીરમા ફેકટરી પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનને અજાણ્યા વાહને અડફેટે લેતાં મોત નીપજયું હતું. ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કડીના આનંદપુરા ગામ ખાતે રહેતા મુકેશભાઈ સોમદાસ પટેલનો ર૧ વર્ષીય પુત્ર જય તેનું બાઈક નં.જીજે-૦૧-એનજી-૭૯૬૮ લઈને કલોલ મહેસાણા હાઈવે ઉપર પસાર થઈ રહયો હતો તે દરમ્યાન છત્રાલ નજીક કોઈ અજાણ્યું વાહન તેના બાઈકને અડફેટે લઈને ફરાર થઈ ગયું હતું. જેના પગલે તેને તાત્કાલિક સારવાર માટે કડીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન યુવાન જયનું મોત નીપજયું હતું.  ઘટનાના પગલે મૃતક યુવાનના પિતાએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે.

(4:58 pm IST)