Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

અમદાવાદના સિમ્સ હોસ્પિટલના બિલ પાસ કરવા વચેટીયા મનાતા ડૉ. નરેશના આગોતરા જામીન રદ્દ

સ્પે. ACB કોર્ટે ડોક્ટરની આગોતરા જમીન અરજી ફગાવી દીધી

ગાંધીનગર: સિમ્સ હોસ્પિટલના બિલો પાસ કરવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર વતી લાંચ માંગીને વચેટીયાની ભૂમિકા ભજવવાના આરોપસર નોંધાયેલા ગુનામાં ધરપકડ ટાળવા માટે ડો. નરેશ મલ્હોત્રાએ આગોતરા જામીન અરજી કરી હતી. જો કે સ્પે. ACB કોર્ટે ડોક્ટરની આગોતરા જમીન અરજી ફગાવી દીધી છે.

આ સાથે જ એડિશનલ સેશન્સ જજ જે.એ.ઠક્કરે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે તેની તપાસ ચાલી રહી છે, પોલીસ પેપર અને રેકોર્ડિંગ જોતા આરોપી સામે પ્રથમદર્શનીય કેસ બને છે, ત્યારે આવા કેસમાં આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરી શકાય નહીં.

કોરોનાના પેશન્ટોને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અમદાવાદની 50 જેટલી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા હતા. તે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર દર્દીએ ફાઈલ અને બિલો ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલ પાસે મંજૂર કરાવવા પડે છે.

અગાઉ સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ ચૂકેલા પેશન્ટોના રૂ.1.50 કરોડના બિલ પાસ કરાવવાના બાકી હતા. તે બિલ પાસ કરાવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર અરવિંદ પટેલ વતી બિલની રકમના 10 ટકા (15 લાખ)ની લાંચની માંગણી ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડો. નરેશ મલ્હોત્રાએ કરી હતી.

આથી આ મામલે ACBમાં કેસ નોંધાતા ડો. નરેશે આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં નિર્દોષ હોવાનો તથા ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો હોવાનો મુદ્દો ઉભો કરી જામીન માગ્યા હતા.

જો કે, આરોપીની જામીન અરજી સામે મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી રજૂઆત કરી હતી કે, બિલો પાસ કરવા 10 ટકા નાંણા માગ્યા હોવાનું પ્રથમ દર્શિય સાબિત થાય છે. આરોપીએ વચેટીયા તરીકેની ભૂમિકા ભજવી હોવાના પુરાવા છે, આ મામલે ફરિયાદી સાથે થયેલી વાતચીતના અવાજના નમૂના FSLમાં મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. જ્યારે સાંયોગિક પુરાવા મેળવવા તજવીજ ચાલી રહી છે, લાંચ માગ્યાના વોઇસ રેકોર્ડિંગ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા, ત્યાંથી પરીક્ષણનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ જ ગુનો નોંધવામાં આવ્યો છે.

આથી આરોપી સામે કેસ સાબિત થાય છે અને આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આરોપી સામે મેડિક્લેઇમ બોગસ રીતે પકવવાનો કેસ પણ નોંધાયેલો છે. આમ આરોપી ગુનો કરવાની ટેવ ધરાવે છે, આરોપીએ આ રીતે બીજી હોસ્પિટલમાંથી પણ લાંચ માગ્યાની આશંકા છે, ત્યારે આવા આરોપીને જામીન આપવામાં આવે તો સમાજ પર કાયદાની વિપરીત અસર પડે તેમ છે તેથી જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.

આરોપી નરેશના વોઇસ સેમ્પલ લેવાના હોવાથી એસીબીએ તેને નોટિસ આપી વોઇસ સેમ્પલ માટે હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. જો કે, ત્યારે તબીબે 18 કલાક હોસ્પિટલમાં હાજર રહેતો હોવાથી સમય નથી તેવા કારણો રજૂ કર્યા હતા. ત્યારબાદ એસીબીએ આરોપીની હોસ્પિટલ નજીક ઓલ ઇન્ડિયા રેડિયો ખાતે વોઇસ સેમ્પલ લેવાની વ્યવસ્થા ગોઠવી હતી. ત્યારે પણ તે આવ્યો ન હતો અને તપાસમાં સહકાર આપ્યો ન હતો

(1:48 pm IST)