Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ બિન શરતી પાછી ખેંચી

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સમજાવટને મળી સફળતા: તમામ કર્મીઓ આવતીકાલથી ફરજ પર કાર્યરત થઇ કોરોનાની વેક્સીન આપવાની કામગીરીમાં જોડાઇ જશે

અમદાવાદ : રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય હસ્તકના કર્મીઓએ તેમની અચોક્કસ મુદ્દતની હડતાલ બિન શરતી પાછી ખેંચી છે અને તેઓ આવતીકાલથી ફરજ પર હાજર થઇ જશે અને કોરોનાની વેક્સીન આપવાની કામગીરીમાં જોડાઇ જશે તેવી જાહેરાત તેમના પ્રતિનિધિઓએ મીડિયા સમક્ષ આજે કરી છે.   

  આજે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ  ડૉ.જ્યંતિ રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિર્ણય તેઓએ લીધો છે.
  નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, અગાઉ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ આરોગ્ય અગ્ર સચિવ અને કમિશનર સાથે બેઠક બાદ પણ હડતાલ ચાલુ રાખી હતી ત્યારે કર્મચારી સંઘના આગેવાનો દ્વારા આજે બેઠક યોજવા સમય માંગ્યો હતો જેને ધ્યાને લઇને આજે આ બેઠક યોજાઇ હતી. તેમના ઘણા વર્ષો જુના પ્રશ્નોના નિરાકરણ કરવા તેઓએ વિનંતી કરી હતી તેના અનુસંધાનમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા પ્રથમ બિન-શરતી હડતાલ પાછી ખેંચવાનું જણાવતાં કર્મચારી મંડળના હોદ્દેદારોએ નાયબ મુખ્યમંત્રીની લાગણી ધ્યાને લઇ બિન-શરતી હડતાલ પાછી ખેંચી કોરોનાની વેક્સીન આપવાની તથા અન્ય કામગીરીમાં જોડાઇ જવાની જાહેરાત કરી હતી અને નાયબ મુખ્યમંત્રીએ કર્મચારી મંડળનો આભાર માન્યો હતો.

(11:27 pm IST)