Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પત્રકારના નામે હોટલ માલિક પાસે ૧૦ હજાર રૂપિયા માગ્યા

સુરત જિલ્લાના પલસાણાના તરાજ ગામની ઘટના : અગાઉ પણ તોડ કરી ગયા હોઈ હોટલ માલિકે પૈસા ન આપી પોલીસમાં ફિરયાદ કરી, તપાસનો ધમધમાટ

બારડોલી, તા. ૨૫ : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તરાજ ગામે આવેલ એક હોટલમાં બે શખ્સો આવ્યા હતા. અને પોતે પત્રકાર હોવાનું જણાવી હોટલનો વીડિયો ઉતારી હોટલ માલિકને ગભરાવી ૧૦ હજાર રૂપિયાની માંગણી કરતાં હોટલ માલિકે પૈસા આપવાની ના પાડતા આ બંને શખ્સોએ હોટલ માલિકને ગાળો આપી ઝપાઝપી કરી હતી. આ બંને શખ્સો અગાઉ પણ આ હોટલ ઉપર આવ્યા હતા અને પત્રકારની ઓળખ આપી હોટલના માલિક પાસે બળજબરી પૂર્વક ૨ હજાર રૂપિયા લઈ ગયા હતા. બનાવ અંગે હોટલ માલિકે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે હવેલીફળિયામાં રહેતા પરવેઝખાન બશીરખાન પઠાણ (ઉ.વ.૨૮) નાઓ તરાજ ગામની સીમમાં કિસ્મત ઢાબા નામની હોટલ ચલાવે છે. ગતરોજ તેઓ હોટલ ઉપર હાજર હતા ત્યારે રાત્રિના ૯ વાગ્યાની આસપાસ એક ફોરવ્હીલ કારમાં બે શખ્સો ત્યાં આવ્યા હતા. અને પાણીની બોટલ માંગતા જેથી તેઓને પાણીની બોટલ આપી હતી. તે સમયે એક શખ્સે કહ્યું હતું કે તું અમોને ઓળખે છે. જેથી પરવેઝખાને આ બંને શખ્સોને ધ્યાનથી જોતાં આ બંને શખ્સો પંદરેક દિવસ અગાઉ હોટલ ઉપર આવ્યા હતા. અને તેઓએ પોતાનું નામ મહેશ પાટીલ તેમજ પાંડે જણાવી પોતે પત્રકાર હોવાની ઓળખ આપી જણાવ્યુ હતું કે કેમ આટલી મોડે સુધી હોટલ ચલાવે છે.

     તેમ કહી આ બાબતે હોટલનો વિડીયો વાઇરલ કરી હોટલ બંધ કરાવી દેવાની ધમકી આપી પરવેઝખાન પાસે બળજબરી પૂર્વક ૨ હજાર રૂપિયા લઈ ગયા હતા. અને ગતરોજ ફરી એકવાર આ બંને શખ્સોએ મોબાઈલમાં વિડીયો ઉતારવા લાગ્યા હતા અને પરવેઝખાનને જણાવ્યુ હતું કે જો વિડીયો વાઇરલ નહીં કરવો હોય તો ૧૦ હજાર રૂપિયા આપવા પડશે તેમ કહેતા પરવેઝખાને પૈસા આપવાની ના પાડતા આ બંને શખ્સો ગાળો બોલી પરવેઝખાન સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. જોકે પોલીસને ફોન કરવાનું જણાવતા આ બંને શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પરવેઝખાને પલસાણા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:49 pm IST)