Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવા રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે 29મીએ વિડીયો કોન્ફરસિંગ:કલેકટરો સાથે બેઠક યોજાશે

રાજયની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી

અમદાવાદ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ફ્રેબ્રુઆરીમાં યોજાવાની છે. જો કે હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી. પરંતુ રાજય ચૂંટણી પંચે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે જ ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવા માટે આગામી તા.29મી ડિસેમ્બરના રોજ બપોરે 4 કલાકે રાજય ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે વિડીયો કોન્ફરસિંગથી યોજાશે

   રાજયની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયતના સદસ્યોની મુદત ડિસેમ્બર મહિનામાં પુરી થઇ ગઇ છે. કોરોનાના કારણે આ ચૂંટણીની મુદત લંબાવવાનો નિર્ણય કરાયો હતો. પરિણામ સ્વરુપે જ શુક્રવારે તમામ વિભાગોના વડાને વહીવટદાર તરીકે નિમણૂંક કરી દેવામાં આવી છે. જો કે તેમને નિતી વિષયક નિર્ણય લેવાનો રહેશે નહીં તેમ જણાવવામાં આવ્યું છે.

   બીજી તરફ રાજય ચૂંટણી પંચે પણ ચૂંટણીને અનુલક્ષીને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે જ મતદાર યાદીની તૈયારીઓથી લઇને અનામત બેઠકો પણ જાહેર કરી દીધી છે. આ ચૂંટણીઓ માટે 1/1/2021ની સ્થિતિની મતદાર યાદીઓ તૈયાર કરવા માટે સંબંધિત તમામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે તાલીમ/સમીક્ષા બેઠક રાખી છે. આ બેઠકમાં તમામ કલેકટરો/ નોડલ અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ સાથે ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા પણ કરવામાં આવશે. આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા માટે નક્કી કરેલા માસ્ટર ટ્રેનર્સને પણ ઉપસ્થિત રહેવા જાણ કરાઇ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. મીટિંગોનો દોર શરૂ થઇ ગયો છે. ગઇકાલે જ કોંગ્રેસ તરફથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને વિવિધ કમિટીઓની જાહેરાત કરી છે. તે જ રીતે ભાજપે પણ વોર્ડ દીઠ પેજ કમિટીઓની નિમણૂંક કરી દીધી છે. આમ બંને રાજકીય પક્ષોએ વધુમાં વધુ બેઠકો હાંસલ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. તાજેતરમાં આ ચૂંટણીમાં આપ પણ પોતાના ઉમેદવારો ઊભા રાખવાની હોવાની જાહેરાત કરી દેતાં ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી સ્થિતિનું સર્જન થશે

(8:25 pm IST)