Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વડોદરામાં રાત્રી કર્ફયુનો લાભ લેતા તસ્‍કરોઃ બાજવા-કોયલી રોડ ઉપર એક સાથે 17 દુકાનોના તાળા તોડયાઃ મુદ્દામાલ સહિત 1 લાખની સિગારેટની ચોરી

વડોદરા: રાત્રિ કરફ્યૂ અને શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરોએ મોડી રાત્રે વડોદરાના પાસેના બાજવા-કોયલી રોડ ઉપર આતંક મચાવ્યો હતો. તસ્કરો એક કલાકમાં બાજવા-કોયલી રોડ ઉપર આવેલા સાગર રેસિકમ પ્લાઝામાં રેડીમેઇડ કપડાના બે શો રૂમ સહિત 17 દુકાનોના તાળાં તોડી રોકડ અને સામાન સહિત લાખોનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. તસ્કરો એક પાન કોર્નરમાંથી 1 લાખ રૂપિયાની સિગારેટ પણ ચોરી કરી ગયા હતા. 

17 જેટલી દુકાનોના તાળાં તૂટ્યા

વડોદરા નજીક બાજવા-કોયલી રોડ ઉપર પાંચ મજલી સાગર રેસીકમ પ્લાઝા નામનું કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં 7 દુકાનો ધરાવતો રજવાડા રેડિમેઇડ કપડાંનો ભવ્ય શો રૂમ, 5 દુકાનો ધરાવતો રેડીમેઇડ કપડાનો ફેશન પોઇન્ટ નામનો શો રૂમ, પ્રોજેક્ટ હાર્ડવેર, ગુરૂકૃપા પાન કોર્નર ઉપરાંત ઇલેકટ્રોનિક્સ, ઇલેકટ્રીકલ સહિત વિવિધ ચીજવસ્તુઓના વ્યવસાયની દુકાનો આવેલી છે. રાત્રિ કરફ્યૂ અને શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરોએ મોડી રાત્રે 1 વાગે કોમ્પ્લેક્ષની દુકાનોને નિશાન બનાવી હતી. ત્યાર બાદ તબક્કાવાર એક કલાકના સમયમાં કોમ્પ્લેક્સ સ્થિત 17 જેટલી દુકાનોના તાળાં તોડ્યા હતા. ચોરોએ દુકાનોમાંથી રોકડ તેમજ સામાનની ચોરી કરી ગયા હતા. ગૃરૂકૃપા પાન કોર્નરમાંથી રૂપિયા 1 લાખ કિંમતની સિગારેટની ચોરી કરી હતી. સવારે દુકાનો ખોલવા માટે આવેલા માલિકોને કોમ્પ્લેક્સમાં ચોરી થઇ હોવાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા. સાગર કોમ્પ્લેક્સમાં ચોરી થઇ હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ સાથે આ બનાવની જાણ જવાહરનગર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી.

પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં અને કોમ્પ્લેક્સ સ્થિત સીસીટીવી ફૂટેજની તપાસમાં તસ્કરો મન્કી ટોપી, હેન્ડ ગ્લોઝ પહેરીને ત્રાટક્યા હતા. તસ્કરો સરદારજી હોવાનું પણ અનુમાન સેવાઇ રહ્યું છે. બાજવામાં એક સાથે 17 જેટલી દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠાવ્યો હતો.

લોકોનો રોષ ભભૂક્યો

લોકોએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રનું રાત્રિ પેટ્રોલીંગ કાગળ ઉપરજ ચાલી રહ્યું છે. પોલીસ તંત્રને  માત્રને માત્ર સામાન્ય લોકોને ખોટી રીતે હેરાન કરવામાં અને દંડ વસૂલ કરવામાં જ રસ છે. અને દારુ-જુગારના ધંધા કરનારાઓને શોધી તેઓની પાસે પૈસા પડાવવામાં જ રસ છે. બાજવામાં મોડી રાત્રે બનેલા ચોરીના બનાવે હાહાકાર મચાવી મૂક્યો છે. બીજી બાજુ આ બનાવ અંગે જવાહરનગર પોલીસે વેપારીઓની ફરિયાદોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા ડોગસ્ક્વોડ અને ફીંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી છે.

(5:17 pm IST)