Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાએ કોરોનાની વેક્‍સીનના ત્રીજા ફેઝના પરિક્ષણ માટે પરવાનગી માંગીઃ પ્રથમ અને બીજા ટ્રાયલમાં કોઇ આડઅસર જોવા ન મળી

અમદાવાદ: ભારતીયો આતુરતાથી કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યાં છે. તેમાં પણ વેક્સીન મામલે ભારત આત્મનિર્ભર બન્યું છે. ભારતમાં ત્રણ કંપનીઓ કોરોના વેક્સીન બનાવી છે. જેની તાજેતરમાં જ પીએમ મોદીએ મુલાકાત કરીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા પણ તેમાં સામેલ છે. ઝાયડસ કેડિલા દ્વારા બનાવાયેલી કોરોના વેક્સીનને લઈ સારા સમાચાર આવ્યા છે. ઝાયડસની ZyCov-D વેક્સીન પણ સફળ થઈ રહ્યાનો દાવો કરાયો છે. ઝાયડસ કેડિલાએ ZyCov-D વેક્સીનના ત્રીજા ફેઝના પરિક્ષણ માટે પરવાનગી માંગી છે. 

  • પ્રથમ અને બીજા ટ્રાયલમાં કોઈ આડઅસર નથી

ZyCov-D વેક્સીનનો પ્રથમ અને બીજું ટ્રાયલ સફળ રહ્યાનું ઝાયડસ તરફથી કહેવામાં આવ્યું છે. આ બંને ટ્રાયલમાં ઝાયડસ કેડિલાએ બનાવેલી પ્લાઝમીડ DNA વેક્સીનથી ધાર્યા પરિણામો મળ્યાનો દાવો કર્યો છે. ઝાયડસ દ્વારા કેહવામાં આવ્યું કે, પ્રથમ અને બીજા ટ્રાયલમાં ZyCov-D વેકસીનની કોઈ આડઅસર જોવા નથી મળી, વેક્સીન સુરક્ષિત રીતે અસર કરી છે. પહેલા અને બીજા ટ્રાયલમાં ZyCov-D વેક્સીનથી લોકોની ઇમ્યુનિટી વધી છે અને કોઈ આડઅસર જોવા મળી નથી.

  • ત્રીજા ફેઝનું પરીક્ષણ 30,000 વોલેન્ટિયર્સ પર કરાશે

ZyCov-D વેક્સીનના ત્રીજા ફેઝનું પરીક્ષણ 30,000 વોલેન્ટિયર્સ પર કરાશે. ZyCov-D વેક્સીન બીજા ફેઝમાં 1000 જેટલા વોલેન્ટિયર્સને અપાઈ હતી. અત્યાર સુધી કરાયેલા ટ્રાયલના પરિણામો ઇન્ડિપેન્ડન્ટ ડેટા સેફ્ટી મોનિટરીંગ બોર્ડ - DSMB ને રજૂ કરાયા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCO ને પણ ટ્રાયલના પરિણામો સોંપવામાં આવ્યા છે. ZyCov-D વેક્સીન એ DNA બેઝ્ડ હોવાથી તેને વધારે ઠંડકની જરૂર નહિ રહે. જોકે ત્રીજો ફેઝ સફળ થાય અને ZyCov-D વેક્સીનને કોઈપણ રિમોટ લોકેશન સુધી મોકલવી હશે તો અન્ય વેક્સીનની મુકાબલે સરળતાથી મોકલી હોવાનો દાવો કરાયો છે.

(5:13 pm IST)