Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગાંધીનગર: વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે ચિલોડા હાઇવે નજીકથી લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરતા મુસાફરને ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર દારૃની હેરાફેરી અટકાવવા માટે વાહનચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે ત્યારે ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી લકઝરી બસમાં હેરાફેરી કરતાં મુસાફરોને પકડવાનું શરૃ કર્યું છે જેના પગલે હવે ખાલી પાર્સલમાં દારૃ મોકલીને હેરાફેરી કરવામાં આવી રહી છે. ચિલોડા પોલીસે ઝડપેલા બે પાર્સલમાંથી વિદેશી દારૃના ર૪૦ ટેટ્રા પેક મળી આવ્યા હતા. પાર્સલ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે અને તેમાં પણ હવે બુટલેગરો દ્વારા ખેપિયાઓની મદદથી એસટી અને ખાનગી લકઝરી બસોમાં મોકલી દારૃની ખેપ લગાડવામાં આવતી હોય છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર આ પ્રકારે રાજસ્થાન તરફથી મુસાફરોના સ્વાંગમાં ખેપિયાઓ સક્રિય થયા છે. ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે અવારનવાર વાહનચેકીંગ કરીને દારૃની ખેપ મારતાં આવા ખેપિયાઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેથી હવે ખેપીયાઓ પોલીસથી બચવા માટે ખાલી પાર્સલ જ મોકલીને દારૃની હેરાફેરી કરાવી રહયા છે. ચિલોડા પોલીસે હિંમતનગર તરફથી આવતી ખાનગી લકઝરી બસમાં તપાસ કરતાં બે પાર્સલ શંકાસ્પદ મળી આવ્યા હતા. જેથી આ પાર્સલ સંદર્ભે કંડકટરને પુછતાં માઉન્ટ આબુમાં ટ્રાવેલની ઓફીસથી પાર્સલ બસમાં મુકાયા હોવાનું કહયું હતું. જેથી ટ્રાવેલ્સ ઓફીસમાં પુછપરછ કરતાં જયપુરથી સંજયભાઈ નામના શખ્સે પાર્સલ મોકલીને સુરત ખાતે મુકેશ નામના શખ્સને પહોંચાડવાનું કહયું હતું. આ પાર્સલમાંથી ર૪૦ વિદેશી દારૃના ટેટ્રા પેક મળી આવ્યા હતા. પોલીસે ૧૬૮૦૦નો વિદેશી દારૃનો જથ્થો જપ્ત કરીને પાર્સલ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

(5:04 pm IST)