Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સુરતમાં રિક્ષામાં સહમુસાફરના સ્વાંગમાં ચાર મુસાફરોના રોકડ સહીત મોબાઈલ ફોનની તફડંચી કરનારર બે ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

સુરત: ઓટો રીક્ષા ચાલકની સાંઠગાંઠમાં સહમુસાફરનો સ્વાંગ રચી અડાજણ ઉપરાંત વરાછા વિસ્તારના ચાર મુસાફરોની રોકડ અને મોબાઇલ ફોનની તફડંચી કરનાર બે ગેંગને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી તેમની પાસેથી બે રીક્ષા સહિત કુલ 3.27 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
અઠવાડિયા અગાઉ સી.એફ.એ નો અભ્યાસ કરતો ચિરાગ જંબુ લુનકર (ઉ.વ.18 રહે. ભાવિક કોમ્પ્લેક્ષ, ઘોડદોડ રોડ) પાલ રાજહંસ થિયેટર પાસેથી ઓટો રીક્ષામાં બેસી અડાજણ ભુલકા ભવન જવા બેઠો હતો. તે દરમિયાન ચાલુ રીક્ષામાં સહમુસાફરના સ્વાંગ ગઠિયાઓએ 80 હજાર તફડાવી લીધા હતા. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાંચે ભેસ્તાન ફાટક પાંજરાપોળ નજીક ઓવરબ્રિજ નીચેથી અલ્લાઉદ્દીન ઉર્ફે અલ્લાબાવા સિકંદર શેખ (ઉ.વ. 52), ઇકબાલ ઇસ્માઇલ શેખ (ઉ.વ. 27) અને રીઝવાનખાન નસીમખાન (ઉ.વ. 38 ત્રણેય રહે. ભેસ્તાન આવાસ, ડીંડોલી) ને ઝડપી પાડી રોકડા 19 હજાર અને ઓટો રીક્ષા નં. જીજે-5 સીટી-3086 મળી કુલ 1.64 લાખનો કબ્જે લીધો હતો. ઉપરોકત ત્રણ ઉપરાંત તેમના સાથીદાર શફી કેરોસીન, સિકંદર મામા અને કલીમ ઉર્ફે કલીમ લબ્બળ સાથે મળી રોકડ તફડાવ્યાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા ત્રણ પૈકી અલ્લાઉદ્દીન અને ઇકબાલ અગાઉ પર છ ગુનામાં ઝડપાય ચુકયા છે.

(5:01 pm IST)