Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અમદાવાદના સેટેલાઈટમાં રહેતા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિએ આપઘાત કર્યા હતા. ત્રણેય બનાવમાં આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું બહાર આવ્યું છે. જેમાં સેટેલાઈટમાં રહેતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ ડાભી(28)એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સેટેલાઈટ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સેટેલાઈટમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા શુભદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ રમેશભાઈ ડાભી(28)એ પોતાના ફ્લેટમાં 24 ડિસેમ્બરના રોજ  બપોરે ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો.

વિશાલભાઈ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પી.સી.આર વાન અને પોઈન્ટ પર નોકરી કરતા વિશાલભાઈ તેમના મિત્રો સાથે આ ફ્લેટમાં રહેતા હતા. બપોરે તેમનો મિત્ર ઘરે આવ્યો ત્યારે દરવાજો બંધ હોવાથી ઘણીવાર સુધી ખખડાવવા થતા અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. આથી તેણે આજુબાજુના લોકોને જાણ કરીને દરવાજો તોડીને તપાસ કરતા વિશાલભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

બાદમાં પોલીસને જાણ કરાતા સેટેલાઈટ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાધ ધરી હતી. જોકે હાલમાં ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. પરંતું તેઓ ડિપ્રેશનમાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું. તે સિવાય તેઓ સતત કોઈની સાથે ફોન પર વાત કર્યા કરતા હતા. પોલીસે તેમનો મોબાઈલ કબજે કરીને સીડીઆર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(4:56 pm IST)