Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આગ લાગી : મોટી દુર્ઘટના ટળી

એમઆઇસીયુમાં ૧૦ દર્દીઓ સારવારમાં હતા ત્યારે પંખામાં શોર્ટસર્કિટથી આગ લાગી

રાજકોટ તા. ૨૫ : નવી સિવિલ એમઆઈસીયુ વોર્ડમાં બુધવારે રાત્રે ચોથા વર્ગના કર્મચારી અને એક તબીબની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. કર્મચારીઓને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવે છે તેના પરિણામે આ શકય બન્યુ હતું. આગની ઘટના સમયે MICUમાં ૧૦ પેશન્ટ હોવાનું જાણવા મળ્યું છે. માઈક્રો બાયોલોજી વિભાગમાં સર્વન્ટ હરીઓમ બુધવારે મોડી રાત્રે ૧ વાગ્યે એક દર્દીનો રિપોર્ટ લઈ રાત્રે એમઆઈસીયુમાં આપવા ગયા હતા. દિવાલમાં લગાવેલા એક પંખામાંથી અચાનક ધુમાડો નીકળવા માંડ્યો. જેથી તેમણે વોર્ડમાં હાજર ડો.સિધ્ધાંતને જણાવ્યું અને બન્નેએ ભેગા મળીને ફાયર સાધનની મદદથી પંખામાં લાગેલી આગ ઓલવી ને જાણ ઉપરીને કરી હતી.

સિવિલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.શૈલેષ પટેલે જણાવ્યું હતું કે અમે બેઠક કરી હતી. જેમાં ઇજનેરે જણાવ્યું હતું કે, દિવાલમાં લગાવેલા પંખા નાના હોય છે. ત્રણથી ચાર કલાક ચાલ્યા બાદ તે ગરમ થઈ જાય છે. જેથી આગ લાગવાની શકયતા વધી જતી હોઈ પંખા કાઢી લેવા સૂચના આપી છે. સાથે હોસ્પિટલમાં જેટલી વીજળીને લગતી ફરીયાદો છે તેને સુધારવા સૂચના આપી છે.

(3:57 pm IST)