Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સ્થાનિક ચૂંટણી પૂર્વે અમદાવાદમાં આવતા મહિને સંઘની બેઠકઃ ભાગવત-નડ્ડા હાજર રહેશે

૩ દિવસની બેઠક રાજકીય ગરમાવો આવશે

અમદાવાદ, તા.૨૫: રાજયમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ થવાની છે તે પૂર્વે જાન્યુઆરીમાં આરએસએસની મહત્વની રાષ્ટ્રીય બેઠક અમદાવાદમાં યોજાશે. તે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ જાન્યુઆરીમાં રાજયમાં બે કાર્યક્રમમાં હાજરી આપે તે રીતે કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે. સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત, અગ્રણી ભૈય્યાજી જોશી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા તથા સંઘ પરિવારની અન્ય પાંખના સંગઠનના ટોચના હોદેદારો પાંચથી સાત જાન્યુઆરી દરમિયાન યોજાનારી ત્રિદિવસીય બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકનો હેતુ સંઘની વિવિધ પાંખમાં સંગઠનની કામગીરી અને આયોજન વિશે ચર્ચા કરવાનો છે.

સ્થાનિક સ્વરાજની ચંૂટણીઓ ભાજપ માટે મહત્વની બની રહેવાની છે ત્યારે ભાજપને સંઘ પરિવારની રાષ્ટ્રીય કક્ષાની બેઠકનો ફાયદો મળી શકે છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે ઉવારસદ ખાતે આ બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ અખિલ ભારતીય સમન્વય બેઠક રાષ્ટ્રીય કક્ષાની હોવાથી તેમાં ફકત સંઘના જ નહીં પરંતુ ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, સમરસતા મંચ, ભારતીય કિસાન સંઘ સહિતના મહત્વના સંગઠનોના ટોચના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક દર વર્ષે યોજાતી હોય છે. જો કે હાલના માહોલમાં અમદાવાદમાં આ મળતી બેઠક મહત્વની રહેશે. બેઠકમાં સંઘ સુપ્રિમો મોહન ભાગવત અને ભૈય્યાજી જોશી સંઘ પરિવારની વિવિધ પાંખ સાથે સંગઠનની સ્થિતિ અને તેમાં વધુ કામગીરી કેવી થઇ શકે છે તે અંગે ચર્ચા કરીને માર્ગદર્શન આપશે.

ત્રણ દિવસની બેઠકમાં તમામ પાંખ તેમની સંગઠનની કામગીરી અંગે શું કામગીરી થઇ તેની માહિતી પણ આપશે. તે અંગે સંઘના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાની બેઠક હોવાથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા ઉપસ્થિત રહેશે.

  • જાન્યુ.માં PM મોદીના પણ બે કાર્યક્રમનું કરાતું આયોજન

ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વધુ એક વખત જાન્યુઆરીમાં પીએમ નરેન્દ્રભાઇ મોદી બે કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. અમદાવાદમાં સરદારધામના સંભવિત ૧૨ જાન્યુઆરીના કાર્યક્રમમાં પીએમ મોદીને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. તે ઉપરાંત રાજકોટ એઇમ્સના ભૂમિપૂજન કાર્યક્રમમાં પણ જાન્યુઆરીમાં ઉપસ્થિત રહે તે માટે પ્રયાસ કરાઇ રહ્યા છે.

(3:08 pm IST)