Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

બે અબજની જમીનનો વિવાદઃ અમદાવાદ કબીર મંદિર આશ્રમના મહંત કૃપાલશરણ અપહરણ કેસમાં ૭ આરોપી ઝડપાયા

ગુનામાં વપરાયેલી બે કાર પોલીસે કબ્જે લીધી અને બાઈક કબ્જે લેવાની તજવીજ

અમદાવાદ, તા.૨૫: બોપલ ઘુમામાં આવેલા કબીર મંદિર આશ્રમના મહંત કૃપાલશરણ ગોસ્વામી અપહરણ કેસમાં ૭ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મહંતનું અપહરણ કરતા અગાઉ આરોપીઓએ બાઈક પર રેકી કરી હતી. બાદમાં મહંતનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. ગુનામાં વપરાયેલી બે કાર પોલીસે કબ્જે લીધી અને બાઈક કબ્જે લેવાની તજવીજ ચાલી રહી છે. અંદાજીત રૂ.૨૦૦ કરોડની જમીનના વિવાદમાં આ અપહરણ થયાનું પોલીસ માને છે.

પોલીસે કૃપાલશરણ ગોસ્વામીના અપહરણમાં સામેલ આરોપી જયંતી નારણ ગોહીલ (ઉં,૬૫) રહે, ખારા કુવા, ધોળકા, રદ્યુવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉં,૪૬) રહે બાલાજી ગોલ્ડ, સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, જીગ્નેશ ઉર્ફ જીગો ચંદ્રકાન્ત શાહ (ઉં,૪૪) રહે, પંચામૃત અર્થ બંગલો, સાયન્સ સીટી, સોલા, અરવિંદભાઈ મફતભાઈ પટેલ (ઉં,૫૨) રહે, દેવદર્શન બંગલો, બોપલ, ઈશાન નરેશ પટેલ (ઉં,૩૦)રહે, શિવજી મંદિર પાછળ,ધોળકા, રૂડા ઉર્ફે રુદ્ર ખોડા ભરવાડ (ઉં,૩૦) રહે, પીપળજ, નેસદ સીમ, અમદાવાદ અને મનોજ રૂખડ ભરવાડ (ઉં,૩૧) રહે,ન્યૂજીવન,ભરવાડવાસ, કુબેરનગરની ધરપકડ કરી છે.

આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી નીકુલ કનુભાઈ નાયક રહે,ચિલોડા, દેવેન્દ્ર પુનમચંદ ચોરસીયા રહે ચિલોડા અને અજય ભીમરાવ પાટીલ ફરાર થઈ ગયા છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કૃપાલશરણની જુદા જુદા સર્વે નંબરોવાળી જમીન હડપ કરવાના ઇરાદે તેઓનું અપહરણ કર્યાની વિગતો ખુલી છે.

બનાવની વિગત મુજબ મહંત કૃપાલશરણ ગોસ્વામી બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યે ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તે સમયે સફેદ કલરની બોલેરો જેવી જીપ આવી હતી. જીપમાંથી ઉતરેલા બે શખ્સ મહંત કૃપાલશરણ નો હાથ પકડી બળજબરીપૂર્વક તેઓને ઉંચકી જીપમાં બેસાડી દીધા હતા.

ઘટનાને નજરે જોનાર પડોશી તુલસીભાઈએ બુમાબુમ કરી અને જીપ પાછળ દોડ્યા હતા. જોકે જીપ લઈને આવેલા શખ્સો મહંતનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. તુલસીભાઈએ બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસ આરોપીઓને શોધી રહી હતી.

બીજી તરફ આરોપીઓ મહંત કૃપાલશરણ ગોસ્વામી ને રાચરડા સહિતના વિસ્તારોમાં લઈ ફર્યા હતા. તે સમયે રસ્તામાં વેરાન જગ્યા પાસે કાર ઉભી રાખી હતી. ત્યાં બીજી કારમાં કેટલાક શખ્સો આવ્યા હતા. તમામ લોકોએ મહંતના ફોટો પાડી લીધા હતા.

આરોપીઓએ મહંતને તે બિહારમાં શુ કાંડ કર્યો તેવો સવાલ કર્યો હતો. જોકે મહંતએ પોતે ૪૦ વર્ષથી બિહાર છોડયાનું જણાવ્યું હતું. બાદમાં આરોપીઓએ મહંતને મુકત કર્યા અને તેઓ રિક્ષામાં બેસી પરત ફર્યા હતા.

(12:52 pm IST)