Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી ત્રિપાંખ્યો જંગ જામશે 'આપ'ની રણનીતિ જાહેર:ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ

ટૂંક સમયમાં જ આમ આદમી પાર્ટી ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડશે

અમદાવાદ : રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરશે.આ વખતે સ્થાનીક સ્વરાજની ચૂંટણી ત્રિપાંખ્યો જંગ જામશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ગુજરાતમાં તમામ બેઠકો પર  પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડશે તેવું નિવેદન આપ્યું છે.

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીને ધ્યાને લઇને ગુજરાતમાં ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પાર્ટીની સાથે જોડાયેલા અને જેમને પાર્ટીની અંદર જે યોગદાન આપ્યું છે, તેવા કાર્યકર્તાઓએ કરેલા કામ, પાર્ટીની અંદર આપેલા યોગદાનના આધારે અને સમાજની અંદર રહેલા યોગદાનને આધારે આમ આદમી પાર્ટી ઉમેદવારોને પસંદ કરવા જઈ રહી છે અને ટૂંક સમયમાં જ આમ આદમી પાર્ટી ઉમેદવારોની પહેલી યાદી બહાર પડવાનું નક્કી કર્યું છે.

  ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે સારામાં સારી બાબત એ છે કે, અમારી પાસે કામની વાત છે અને કરેલા કામના ઉદાહરણ છે. ભાજપ અને કોંગ્રેસ પાસે ચૂંટણી જીતવા માટેના હાથકંડાઓ છે. પણ અમે જે દિલ્હીમાં કર્યું તે જ અહીંયા કરવા માંગીએ છીએ. એટલે ભાજપ કોંગ્રેસની રણનીતિ કરતા અમારી કામની વાત અને અમારા કામનો મુદ્દો જ આગળ રહેશે. આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આ તમામ જગ્યા પર ચૂંટણી લડવા માટે તૈયાર છે અને તેના માટે ઉમેદવારને શોધવાની પ્રક્રિયા અને પાર્ટીનો પ્રચાર પણ ચાલી રહ્યો છે

(11:06 am IST)