Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

નર્મદા સુરપાણેશ્વર અભિયારણ વિસ્તાર ફરતે ઇકો સેન્સટિવ ઝોન રદ કરવા BTS એ આપ્યું આવેદનપત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે નર્મદા જિલ્લા ભીલિસ્તાન ટાઇગર સેનાના અધ્યક્ષ મહેશભાઈ વસાવાની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર નર્મદા કલેક્ટરને આપ્યું હતું જેમાં નર્મદા જિલ્લામાં સુરપણેશ્વર અભિયારણ વિસ્તાર ફરતે ઇકો સેન્સટિવ ઝોન રદ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લાના સુરપાણેશ્વર અભ્યારણ વિસ્તારની ફરતે ઇકો સેન્સેટીવ ઝોન નિર્ધારિત કરેલ છે.જેનાં જાહેરનામા ક્રમ -૪ મા દર્શાવેલ કેટલીક પ્રવૃતિઓ કરવા ઉપર પ્રતિબંધ,આ ઝોનમા આવતી વન વિસ્તારની જમીન,બાગાયત વિસ્તારની જમીન ખેતીની જમીન પાર્ક તથા અન્ય હેતું માટે અનામત રાખેલ જમીનને કોમર્શિયલ,ઔદ્યોગિક અને રહેઠાણનાં હેતુ માટે બિન ખેતીમાં ફેરવવા,જાહેરનામાંની જોગવાઈ પ્રમાણે જે હેતુ પ્રવૃત્તિને અપવાદ ગણી તેના ઉપયોગ માટે મંજુરી માટે તથા હેતુ પ્રવૃત્તિ માટે ઇકો સેન્સેટીવ ઝોનની જમીનને બિન ખેતીમાં ફેરવવાની થાય તો તેવા હુકમો કરતા પહેલા મોનીટરીંગ કમિટીની ભલામણ સાથે રાજ્ય સરકાર ની પૂર્વ મંજુરી મેળવવી ફરજીયાત છે.

 આ બાબતો તથા જાહેરનામાંની અન્ય જોગવાઈનું પાલન થાય તે માટે નર્મદા જીલ્લામાં શુલપાણ અભ્યારણ વિસ્તારના ૧૨૧ ગામો ને ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરેલ છે જેમાં આખા ગામોનાં વિસ્તાર,ગામોનાં તમામ સર્વે નંબરો ઇકો સેન્સેટીવ ઝોનમા આવરી લીધેલ છે.અને સરકાર દ્વારા ગામના નમુના નંબર ૭ મા બીજા હક્કમાં ઇકો સેન્સેટીવ ઝોનમાં આવતો હોવા અંગેની નોંધ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.

 નર્મદા જીલ્લાના ઇકો સેન્સેટીવ ઝોનમાં સમાવેશ થયેલ  ગામોમા તારીખ ૨૮-૧૨-૨૦૨૦થી ૦૬-૦૧-૨૦૨૧ દરમ્યાન સંબંધિત ગ્રામ પંચાયતોની ગ્રામસભાનું આયોજન ઇકો સેન્સેટીવ ઝોન નો એજન્ડા સાથે નિયમ બધ્ધ રીતે કરી નીયોમાનસરની તમામ કાર્યવાહી પૂર્ણ કરવાનું સૂચવેલ છે.જેનાથી આદિ અનાદી કાળથી જળ જમીન અને જંગલ સાથે સંકળાયેલા આદિવાસી સમાજ ને ખૂબજ માઠી અસર થવાની ભીતી સેવાઈ રહી છે .

 ઇકો સેન્સેટીવ ઝોનમાં આવેલ ગામોમાં ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી અહીના ગામોમાં રહેણાક આવાસો , હોટલ , રિસોર્ટ,નાના ઉદ્યોગો ખેતીવાડી કુવા - બોર મોટર , નવા ઘર બાંધકામ,જેસીબી અને ટ્રેકટર દ્વારા ખેતર લેવલીંગ,વીજ કનેક્શન,તાર ફેન્સીંગ,ગ્રામ્ય વિસ્તારોમાં વાહનોની અવર જવર,પશુ ચરાણ, કુદરતી જળાશયો , નદીઓમાં પ્રવેશ , જૈવિક સંપતિ,વન પેદાશ,જલાઉ લાકડા જેવી પ્રવૃત્તિઓ પર મોનીટરીંગ કમિટીની મંજુરીથી કરી શકાશે.જેનાથી શીડ્યુલ વિસ્તારમાં બંધારણીય જોગવાઈ અનુસૂચી ૫ અને પેસા એક્ટ નો ઉલ્લંઘન થાય છે.જેથી કેન્દ્ર સરકાર નો આ નિર્ણય રદ્દ કરવામાં આવે એવે અમારી લાગણી અને માંગણી છે.

 આ બાબતે હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ નહિ તો ના છુટકે શાંત અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આવેદનમાં ઉચ્ચારી છે.

(11:55 pm IST)