Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

હવે એરપોર્ટ પર વીઆઇપી લોકોનો ધમધમાટ શરૂ થયો

એરપોર્ટ પર સ્વાગત અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા : કેટલાક વીવીઆઇપી મહાનુભાવોનું તો ચાર્ટર્ડ પ્લેન દ્વારા સીધા જ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરી ચુક્યા છે

અમદાવાદ, તા.૨૫ :     ભાજપની નવી સરકાર અને નવા પ્રધાનંડળના શપથવિધિ સમારોહમાં આમંત્રિત વીઆઇપી અને વીવીઆઇપી સહિતના મહાનુભાવોની આગતા સ્વાગતા તેમ જ સુરક્ષાને લઇ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યા છે. ભાજપ સરકારના શપથવિધિ સમારોહ અને વીઆઇપી અને વીવીઆઇપી સહિતના મહાનુભાવોની ચહલપહલને લઇને અમદાવાદ એરપોર્ટ પર જબરદસ્ત ધમધમાટ જોવા મળ્યો હતો. કેટલાક વીવીઆઇપી મહાનુભાવો તો ચાર્ટર્ડ પ્લેન મારફતે સીધા જ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીને આ મહાનુભાવોની સત્તાવાર માહિતી પણ પ્રાપ્ત થઇ ગઇ છે.

   બીજીબાજુ, જે  વીઆઇપી, વીવીઆઇપી સહિતના મહાનુભાવો આળે તેમના માટે વીવીઆઇપી ગેટ પરથી લઇ જવાનું આયોજન વિશેષ પ્રકારે કરાયું છે અને તેના અનુસંધાનમાં લોખંડી સુરક્ષા કવચ પણ ઉભુ કરી આજે તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આજે ત્રણ ચાર્ટર્ડ પ્લેનમાં તો, મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, ઉતરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત, આસામના મુખ્યમંત્રી સરબાનંદ સોનેવાલ અમદાવાદ પહોંચી ગયા હતા. આ સિવાય કેટલાક વીવીઆઇપી મહાનુભાવો મોડી સાંજે તેમ જ રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. દેશભરમાંથી આમંત્રિત વીઆઇપી અને વીઆઇપી સહિતના મહાનુભાવોની આગતાસ્વાગતમાં કોઇ કસર ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તો સાથે સાથે તેઓની સુરક્ષાને લઇને પણ લોખંડી સલામતી વ્યવસ્થા તૈનાત કરાઇ છે. તમામ આમંત્રિત વીઆઇપી અને વીઆઇપી મહાનુભાવોને શપથવિધિ સમારોહના સ્થળ પર લઇ જવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમની સાથે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓની ટીમને પણ મૂકવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા જવાનોને સ્ટેન્ડ ટુ ના આદેશો અપાયેલા છે અને તેઓ એકેએક હરકત અને ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તમામ મોંઘેરા મહેમાનોને કોઇ અગવડ કે તકલીફ ના પડે તે હેતુથી લક્ઝુરિયસ કારોના કાફલા પણ તેમની સેવામાં તૈનાત કરાયા હતા.

(7:01 pm IST)