Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

રૂપાણી કેબિનેટની કાલે શપથવિધિ, ૧૫ થી ૧૭ ચહેરા સમાવાશે

ગાંધીનગર-ગુજરાતમાં ભાજપની છઠ્ઠી સરકારની શપથવિધિ આવતીકાલ ૨૬મી ડિસે. યોજવાની છે ત્યારે તેમાં પદનામિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કેબીનેટમાં ૧૫ થી ૧૭ ચહેરાનો સમાવેશ કરે તેવી સંભાવના છે. આ સરકારમાં રૂપાણી અને નિતિન પટેલ સાથે કુલ સાત કેબીનેટ સભ્યો અને ૮ થી ૧૦ રાજયકક્ષાના સભ્યો શપથ લઇ શકે છે.

સંખ્યાબળના આધારે કેબીનેટનું કદ ૨૭ સભ્યોનું રાખી શકાય છે પરંતુ ૨૦૧૯માં લોકસભાની ચુંટણી આવતી હોવાથી રૂપાણી હાલ કેબિનેટનું કદ નાનું રાખી આવતા વર્ષના અંત સુધીમાં વિસ્તરણ કરી શકે છે સચિવાલયના પટાંગણમાં શપથવિધિ સમારોહ યોજવાનો છે અને તેમાં ઉપસ્થિત રહેવા માટે એનડીએ અને ભાજપની સરકારના ૧૮ મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ કેન્દ્રીય કેબીનેટના સિનિયર સભ્યો તેમજ વિશેષ આમંત્રિતોને આમંત્રણ આપવામાં આવ્યા છે.

આ શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજરી આપવાના છે આજે રાત્રે અમિત શાહ કેબિનેટના સભ્યોની યાદી ફાઇનલ કરશે પરંતુ પાર્ટીના સુત્રોના જણાવ્યા  પ્રમાણે પદનામિત મુખ્યંમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ઉપરાંત ચુટાયેલા ૧૨ થી ૧૫ સભ્યો શપથ લેશે.

કેબિનેટમાં સંભવિત ચહેરા

કૈશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, બાબુભાઈ બોખીરીયા, દિલીપ ઠાકોર, આર સી ફળદુ, પરબત પટેલ, જયેશ રાદડીયા

રાજ્યકક્ષામાં સંભવિત ચહેરા

સંભવિત પ્રધાનો જીતેન્દ્ર સુખડીયા, કિશોર કાનાણી, પુરૂષોત્તમ સોંલકી, અભેસિંહ તડવી, ઈશ્વર પટેલ, વિભાવરી દવે, રાજેન્દ્ર ત્રિવેદી, દિલીપ ઠાકોર, વલ્લભ કાકડિયા, દુષ્યંત પટેલ, કેશુભાઈ નાકરાણી, અથવા ગોવિંદભાઈ પટેલ, દેવા માલમ, બચુ ખાબડ, જયપ્રથસિંહ પરમાર, નરેશ પટેલ અથવા રમણ પાટકર

પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે રૂપાણીનું મંત્રીમંડળ ટુ-ટાયર રહેશે જેમાં કેબિનેટ મંત્રીઓ અને રાજયકક્ષાના મંત્રીઓ હશે. હાલ રૂપાણી સંસદીય સચિવોની નિયુકિત કરે તેમ મનાતું નથી.

(4:52 pm IST)