Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

રૂપાણીની શપથવિધિની તૈયારી કરી રહેલા ત્રણ શ્રમિક પટકાયા, ૧નું મોત

સમિયાણો બાંધતી વખતે બની ઘટનાઃ સારવાર દરમિયાન શ્રમિકનું મોત

ગાંધીનગર તા. ૨૫ : આવતી કાલે થનારી વિજય રુપાણી તેમજ તેમના મંત્રીમંડળની શપથવિધિની તૈયારીમાં એક અકસ્માત થતાં એક વ્યકિતનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સચિવાલય ગ્રાઉન્ડ પર શપથવિધિ માટે શામિયાણો બાંધવામાં આવી રહ્યો હતો ત્યારે ત્રણ શ્રમિકો નીચે પડ્યાં હતાં, જેમાં એકનું મોત થયું હતું.

રણછોડ મીણા, કાંતિ ડામોર અને બાબુલાલ કલસાવા નામના આ ત્રણ શ્રમિકો રાત્રે સવા ત્રણેક વાગ્યાની આસપાસ શામિયાણો બાંધવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ત્રણેય થોડી ઉંચાઈ પરથી નીચે પટકાયા હતા. ત્રણેયને માથાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી.

જોકે, બાબુલાલ કલસાવા નામના ૪૬ વર્ષીય શ્રમિકન થયેલી ઈજા વધુ ગંભીર હોવાથી તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં સવારે સવા સાત વાગ્યે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે, રણછોડ મીણા અને કાંતિ ડામોરની હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આવતી કાલે સચિવાલય ગ્રાઉન્ડ પર સીએમ વિજય રૂપાણી તેમજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને તેમનું મંત્રીમંડળ શપથ લઈ રહ્યું છે, જેની ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ શાસિત ૧૮ રાજયોના મુખ્યમંત્રીઓ આ શપથગ્રહણ સમારંભમાં આવી રહ્યા છે, અને પીએમ પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે.

(3:48 pm IST)