Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

કિરીટ પટેલે માફી માંગ્યા બાદ પણ પાટણમાં માલધારી સમાજમાં રોષ યથાવત

 પાટણ, તા. ૨૫ :. પાટણમાં રખડતા ઢોરો પકડવા અને તેની સામે દંડો લઈ પાંજરે પુરવાના નવનિયુકત ધારાસભ્ય કીરીટ પટેલના નિવેદન અંગે માલધારી સમાજમાં રોષ વ્યાપ્યો છે અને પાટણના બગવાડા દરવાજા નજીક કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા પાટણના ધારાસભ્ય ડો. કીરીટ પટેલનું પૂતળુ બાળી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ડો. કીરીટભાઈ પટેલે જણાવ્યુ છે કે, મેં કોઈ સમાજ સામે લાકડી લેવાની વાત કરી નથી. મારા નિવેદનનું ખોટુ અર્થઘટન કરી વર્ગવિગ્રહ ફેલાવવાની કોશિષ કરવામાં આવી રહી છે.

શહેરમા રખડતા પશુઓ દ્વારા વધતા અને રોજે સંખ્યાબંધ રાહદારીઓને હડફેટે લઈ ગંભીર ઈજાગ્રસ્ત કરતા અને ઢોરોની ગંભીર ઈજાઓને કારણે કેટલાક વૃદ્ધોના મોત થયા છે. મારા ચૂંટણી પ્રચાર દરમ્યાન ઠેર ઠેરથી લોકોની ફરીયાદ હતી કે શહેરમાં રખડતા ઢોરોને પકડાવો અને શહેરની પ્રજાને ઢોરના ત્રાસથી બચાવોની ગંભીર ફરીયાદો કરતા મેં સત્તાવાળાઓને તાકીદે જાહેર રોડ ઉપર રખડતા ઢોરોને પકડવા મેં સત્તાવાળાઓને રજુઆત કરી હતી અને જણાવ્યુ હતુ કે, સત્તાવાળાઓએ આ અંકે કંઈ નહી કરતા અમારે ડંડો લઈ જાતે ઢોર પકડવા નિકળવુ પડશે. મેં કોઈ સમાજ વિરૂદ્ધ લાકડી લઈ નિકળવાની વાત કરી નથી. કેટલાક ઈસમો જાણીબુઝીને ખોટુ અર્થઘટન કરી વિર્ગવિગ્રહ ફેલાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. તેવો વોટસએપ મેસેજ આપી ખોટી અફવામા ન આવવા વિનંતી કરી છે.

જો કે કિરીટ પટેલે માફી માંગી લીધા બાદ પણ માલધારી સમાજમાં રોષ યથાવત છે.

(3:36 pm IST)