Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સુરતના ઉઘના બસ સ્ટેન્ડ નજીક રસ્તો ઓળંગતી માતા-પુત્રીને ટેમ્પો ચાલકે હડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બંનેના મૃત્યુથી પરિવારની માથે આભ ફાટ્યું

સુરત, : સુરતના ઉધના બસ સ્ટેન્ડ પાસે ગુરુવારે બપોરે રસ્તો ક્રોસ કરતી માતા અને બે બાળકોને બેફામ દોડતા ટેમ્પો ચાલકે અડફેટે લેતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંને બાળકો ટેમ્પા નીચે કચડાતા ઘટનાસ્થળે મોતને ભેટ્યા હતા.જ્યારે માતાને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું પણ સાંજે સારવાર દરમિયાન મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી ટેમ્પો ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના અમીરપુરના વતની અને સુરતમાં પાંડેસરાની આવિર્ભાવ સોસાયટી ઘર નં.202 માં રહેતા દેવકીનંદન શર્મા કારના સીટ કવર કટીંગનું કામ કરે છે.જયારે તેમની પત્ની રબીતા પતિને મદદરૂપ થવા માટે પોતાની બહેન બબીતા સાથે ઉધના સ્વામીનારાયણ મંદિર પાસે પેન્ટ અને ટીશર્ટના કારખાનામાં કામ કરે છે. દેવકીનંદનના બે પુત્રો હેપ્પી ( ઉ.વ.10 ) અને સમર્થ ( ઉ.વ.7 ) ઉધનાની ભાગ્યોદય સ્કૂલમાં અનુક્રમે ધોરણ બે અને ધોરણ એકમાં અભ્યાસ કરતા હોય તેઓ બપોરે સ્કૂલમાંથી છૂટે ત્યારે રબીતા તેમને સ્કૂલેથી તેડીને પોતાના કારખાને રોજ લઈ જતી હતી. આજે બપોરે પણ નિત્યક્રમ મુજબ તે બંને બાળકોને સ્કૂલેથી લઈ કારખાને આવવા નીકળી ત્યારે ઉધના બસ સ્ટેન્ડ નજીક રસ્તો ક્રોસ કરતી વેળા તેમને સચિન તરફથી ઉધના દરવાજાની દિશામાં પૂરપાટ ઝડપે જતા આઇસર ટેમ્પો ( નં.જીજે-05-એઝેડ-3795 ) ના ચાલકે અડફેટે લેતા તેઓ ફંગોળાયા હતા.અકસ્માત બાદ ચાલક સ્થળ ઉપર ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો.બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઉશ્કેરાયેલા લોકોએ ટેમ્પોમાં તોડફોડ કરી હતી.લોકોએ જ બંને બાળકો અને રબીતાને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.જોકે, ગંભીર અકસ્માતમાં બંને બાળકો ટેમ્પા નીચે કચડાયા હોય તેમના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા.તેથી નવી સિવિલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.જ્યારે રબીતાને સારવાર માટે દાખલ કરી હતી.જોકે, તેનું પણ સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

(6:35 pm IST)