Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

માતર તાલુકાના વણસર પાટિયા નજીક બાઈક ચાલકે બેફિકરાઈથી બાઈક ચલાવતા અકસ્માતમાં ઘટનાસ્થળેજ મોત

નડિયાદ: માતર તાલુકાના વણસર પાટીયા પાસે એક બાઈક ચાલકે પોતાની બાઈક બેફિકરાઈ અને પુરઝડપે હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બાઈક ડિવાઈડર સાથે અથડાવી હતી. જેથી બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

અમદાવાદ સીટીએમ જામફળવાડી સ્વામી નગર સોસાયટી ખાતે રણજીતભાઈ રાયસીંગભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે.

 તેઓની સાસરી આણંદ જિલ્લામાં ત્રણોલ ખાતે થાય છે. રણજીતભાઈ ની પત્ની રીટાબેન તેના પિયર ગઈ હોય તેણીને લેવા માટે બુધવારે સવારે બાઇક લઇ નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના સમયે રણજીત પોતાની બાઇક લઇ અમદાવાદ તરફ જતો હતો. દરમિયાન નેશનલ હાઇવે નંબર-48 પર વણસર પાટીયા પાસે રણજીતે પોતાનું બાઈક પુરઝડપે હંકારી રોડની સાઈડે ડિવાઇડર સાથે અથડાવતા તેને માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા રણજીત નું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ સંદર્ભે રાયસીંગભાઈ પરમારની ફરિયાદના આધારે માતર પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:30 pm IST)