Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સુરતમાં ૧૦ વર્ષ બાદ પાટીદાર વિસ્‍તારમાં મોદીની સભાથી ઉત્તેજના

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની જાહેરસભા એક બે નહીં, પરંતુ છ વિધાનસભા બેઠકના પરિણામને અસર કરશે : ૨૦૧૨માં મોદીની સભા બાદ પાટીદાર વિસ્‍તારોની તમામ બેઠકો ભાજપે અંકે કરી હતી

નવી દિલ્‍હી,તા. ૨૫ : દસ વર્ષ બાદ સુરતના પાટીદાર બહુમતી ધરાવતા વિસ્‍તારમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની જાહેરસભાનું આયોજન થતા રાજકીય માહોલ ગરમાયો છે. રવિવારે સાંજે સાત કલાકે મોટા વરાછા વિસ્‍તારમાં વડાપ્રધાનની જાહેરસભા એક બે નહીં, પરંતુ છ વિધાનસભા મતવિસ્‍તારના પરિણામોને અસર કરે તેવી શક્‍યતા છે. મોદીની સભાથી ભાજપને મોટા રાજકીય લાભની આશા છે. ત્‍યારે જાહેરસભાની સફળ બનાવવા શહેર ભાજપે તમામ તાકાત કામે લગાડી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી રવિવારે સાંજે મોટા વરાછા અબ્રામા રોડ પર ગોપીન ખાતે લાખો લોકોની જનમેદનીને સંબોધનશે. લાંબી વિચારણાના અંતે વડાપ્રધાનની જાહેરસભાનું સ્‍થળ નક્કી કરવામાં આવ્‍યું છે. વડાપ્રધાનની જાહેરસભાના સ્‍થળની ફરતે ઓલપાડ, કામરેજ, વરાછા, કરંજ, સુરત ઉત્તર અને કતારગામ વિધાનસભા મતવિસ્‍તાર આવેલા છે. ૨૦૨૧ની પાલિકા ચૂંટણીમાં આ વિસ્‍તારોમાં ભાજપને ફટકો પડયો હતો. પાટીદાર મતદારોને રીઝવવા માટે દસ વર્ષમાં પહેલી વખત પાટીદાર ફેકટરવાળા વિસ્‍તારોમાં વડાપ્રધાનની સભા યોજવામાં આવી છે. નરેન્‍દ્રભાઇ મોદી રાજ્‍યના મુખ્‍ય પ્રધાન હતા ત્‍યારે ૨૦૧૨માં તેમણે પુણા યોગીચોક ખાતે મોટી જાહેરસભા સંબોધી હતી. એ સમયે કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને પડકાર આપ્‍યો હતો. પાટીદારોના ગઢ ગણાતા યોગીચોક વિસ્‍તારમાં નરેન્‍દ્રભાઇ મોદીની સભા બાદ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્‍યા હતા. એટલું જ નહીં ભાજપે તમામ બેઠકો પર કલીન સ્‍વીપ કરી હતી.બરોબર દસ વર્ષ બાદ ભાજપ ફરી એક વખત પાટીદાર વિસ્‍તારમાં ક્‍લીન સ્‍વીપ કરે તેવી વકી છે.

૨૦૧૨ બાદ પાટીદાર વિસ્‍તારમાં ફરી ત્રિપાંખિયો જંગ

૨૦૧૨ની વિધાનસભા ચૂંટીમાં સુરતના પાટીદાર વિસ્‍તારોમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. પાટીદાર સમાજના આગેવાન કેશુભાઇ પટેલે ભાજપ સાથે છેડો ફાડી ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી સુરતની તમામ બેઠકો પર ઉમેવાર ઉતાર્યા હતા. કેશુભાઇ એ પુણા અને વરાછા સહિતના વિસ્‍તારોમાં જંગી જાહેરસભા સંબોધી હતી. કેશુભાઇની જીપીપીએ સુરત ઉત્તર, કામરેજ, વરાછા, કરજ, અને કામરેજ વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી હતી. જો કે, ચૂંટણીના પરિણામો જાહેર થતા પાટીદાર વિસ્‍તારની તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. દસ વર્ષ બાદ હવે ફરી એક વખત પાટીદાર વિસ્‍તારમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે.

જાહેરસભામાં દોઢ લાખથી વધુ લોકો હાજર રહે તેવું આયોજન

  1. રવિવારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સભામાં લોકોને એકત્ર કરવા માટે સુરતની તમામ બાર વિધાનસભા બેઠકના તમામે તમામ ઉમેદવારોને જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાનની જાહેરસભા પહેલા માહોલ બનાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથનો રોડ શો યોજવામાં આવ્‍યો હતો. પહેલી ડિસેમ્‍બર મતદાન પહેલા રવિવારે મોદીની જાહેરસભામાં દોઢ લાખ કરતા વધારે લોકો ઉમટી પડે તે દિશામાં આયોજન ચાલી રહ્યું છે. સભાને લઇને તમામ વિધાનસભા બેઠકમાં જવાબદારી સોંપાઇ છે.

    પાટીદાર મતદારો છ વિધાનસભા બેઠક પર નિર્ણાયક

    સુરતમાં અંદાજે પંદર લાખ સૌરાષ્‍ટ્રવાસી મતદારો વસે છે. જે પૈકી પાટીદારો મુખ્‍ય છે. પાટીદાર મતદારો સુરત ઉત્તર, કતારગામ, વરાછા રોડ, કરંજ, કામરેજ અને ઓલપાડ વિધાનસભા મતવિસ્‍તારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ વિસ્‍તારોમાં પાટીદાર મતદારોને રીઝવવા માટે ભાજપે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૨ની જેમ આ વખતે પણ મોદી મેજીકના આધારે તમામ બેઠકો અંકે કરવાની કરવાની ભાજપની ગણતરી છે.
     

(10:23 am IST)