Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

અંકલેશ્વર :પ્રાથમિક શાળામાં શૌચાલય તોડવાની કામગીરી કરાવતા વિદ્યાર્થીઓ કાટમાળમાં દબાઈ જતા એક ગંભીર

શાળામાં ભણવા જતા બાળકોને કરાવાતી મજૂરી અને સાફ સફાઈ સામે વાલીઓમાં ભારે રોષ

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં ઘરેથી ચોપડા ભરેલું દફતર લઈ ભણવા આવતા બાળકો પાસે શૌચાલયની દિવાલ તોડવવાની કામગીરી કરાવવામાં આવતી હોવાની ગંભીર ઘટના કાટમાળમાં એક બાળક ઘવાતા સામે આવી છે.

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલય તોડવાની કામગીરી કરતા 8 થી 10 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી કાટમાળમાં દબાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ વાલીઓ લાલઘૂમ થઈ ઉઠ્યા છે.

ગુરૂવારે અંકલેશ્વરના નવા બોર ભાઠા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલય તોડવાની કામગીરી દરમિયાન શૌચાલયની દીવાલ નીચે દબાઈ જતા એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર તાલુકાના નવા સરફૂદ્દીન ગામમાં રહેતો શિવમ પ્રવીણ વસાવા ધોરણ 7 મા અભ્યાસ કરવા આવ્યો હતો.

પરંતુ શાળાના શિક્ષકોએ તેને અભ્યાસને બદલે શાળાનું શૌચાલય તોડવાની કામગીરી સોપતા દુર્ઘટના બની હોવાના આક્ષેપ તેની માતા સાથે અન્ય વાલીઓએ કર્યા છે. શાળામાં અભ્યાસ કરતા આવતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા અન્ય કામગીરી કરાવવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે શાળાના શિક્ષકોની આ કામગીરી સામે સવાલો ખડા થયા છે.

 શાળા દ્વારા જે કામ કોન્ટ્રાકટરને સોપાવવું જોઈએ તે જોખમી કામ નાના બાળકો પાસે કરાવી હાથમાંથી પુસ્તકો છીનવી તેમને હથોડા આપી દઈ શોચાલય તોડવવાની ફરજ પાડતી વાલીઓ લાલઘૂમ બની ગયા હતા.

 વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે તેમના સંતાનો પાસે સફાઈ અને અન્ય કામગીરી કરાવવામાં આવે છે. સરકારી શાળામાં આવી કામગીરી માટે સરકારી તંત્ર નાણાં નહિ આપતું હોય કે આવા કામ વિધાર્થીઓ પાસે કરાવાઈ છે. અમારું બાળક અહીં ભણવા કે મજૂરી કરવા આવે છે તે જ ખબર પડતી નથી તેવા સવાલોના મારા સાથે આજે વાલીઓએ શાળાને ગજવી મુકતા સંચાલકો અને સ્ટાફને તેમનો સામનો કરવો અઘરો પડી ગયો હતો

 

(7:08 pm IST)