Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ગાંધીનગરમાં ખેડૂતોની કિંમતી જમીન પચાવવા ભૂમાફિયા સક્રિય

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં જમીનોના ભાવ આસમાને આંબી રહ્યાં છે ત્યારે ખેડૂતોની કિંમતી જમીન પચાવવા માટે ભુમાફિયાઓ સક્રિય થયા છે. ત્યારે શહેર નજીક સરગાસણમાં ખેડૂતની જાણ બહાર બોગસ ખેડૂતો ઉભા કરીને ભુમાફિયાઓએ કરોડોની જમીનમાં રજીસ્ટર પાવર કરાવી લેતાં ખેડૂતોના માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યારે આ મામલે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં જમીનો સંદર્ભે વધી રહેલી આ પ્રકારની છેતરપીંડીની ઘટનાઓ અટકાવવા માટે આવા તત્વો સામે કડક હાથે કામ લેવાની જરૃરીયાત ઉભી થઇ ગઇ છે.

 સરગાસણ ગામે રહેતાં વૃધ્ધ શંકરભાઇ મોતીભાઇ વાઘેલાએ રાજ્યના ગૃહમંત્રીને ફરિયાદ કરી છે કેસરગાસણ ગામમાં તેમની વડીલોપાર્જિંત ૧૮૨/૫ નંબરની જમીન આવેલી છે. જેમાં તેમના ભાઇ નારાયણભાઇ અને રમેશભાઇનું નામ ચાલે છે. આ જમીનનો તેમણે ક્યારે કોઇને વેચાણ કરવા કે વહિવટ કરવા માટે પાવર ઓફ એર્ટની લખી આપી નથી. ત્યારે દિપેશકુમાર સુરેશભાઇ પટેલ રહે.૯રત્નદિપ બંગલોઝથલતેજઅમદાવાદચાવડા ઇન્દ્રજીસિંહ જીવુભા રહે. નવો માઠજોટાણાપ્રદ્યુમનસિંહ દિલપસિંહ ચાવડા રહે.જોટાણાને જાણતા નહીં હોવા છતાં બોગસ ખેડૂતો ઉભા કરીને તેમના નામનો રજીસ્ટર પાવર ઓફ એર્ટની તા.૨૦ ઓકટોબરના રોજ ગાંધીનગર સબ રજીસ્ટ્રારની કચેરીમાં કરવામાં આવ્યો હતો. આ બોગસ ખેડૂતો ઉભા કરીને દિપેશ પટેલના નામે પાવર ઓફ એર્ટની થઇ જવા પામી છે. જેની બજાર કિંમત ૮.૭૨ કરોડ ઉપરાંતની હોવા છતાં આ જમીનનો ૨૧ લાખનો તેમના અને તેમના ભાઇનો ચેક પાવરમાં દર્શાવવામાં આવ્યો છે જે તેમને આપવામાં આવ્યો નથી.ગાંધીનગર સબ રજીસ્ટ્રારના સાથ સહકારથી આ ગુનાહિત કાવત્રુ રચીને તેમની વડીલોપાર્જિંત જમીન પચાવી પાડવા માટે આ કારસો રચવામાં આવ્યો છે. ત્યારે આ વ્યક્તિઓ સામે લેન્ડ ગેબ્રિંગ અને ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા માંગણી કરવામાં આવી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના અગાઉ દિપેશ પટેલની સાથે મુકેશ પટેલ નામની વ્યક્તિ પણ આ ખેડૂતો પાસે આવી હતી અને કોલ્ડ સ્ટોરેજ માટે જમીન ભાડે લેવાનું કહીને આ ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ તો ખેડૂતની ફરિયાદના પગલે જિલ્લા પોલીસ દ્વારા આ સંદર્ભે ગુનો દાખલ કરીને આરોપીઓ સામે કડક હાથે કામ લેવાય તે જરૃરી છે નહીં તો જિલ્લાના ભોળા ખેડૂતો સાથે આ પ્રકારની છેતરપીંડીઓ અટકશે નહીં. ભુમાફિયાઓને મદદ કરનાર તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક પગલાં ભરવાની જરૃરીયાત લાગી રહી છે.

(5:33 pm IST)