Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભીડ પછીની લહેરનો ભય નહિવતઃ ડીસેમ્બરમાં વધુ ૧ કરોડ રસીકરણનો લક્ષ્યાંક

પ્રથમ ડોઝનું ૯૩ ટકા અને બીજા ડોઝનું ૮૭ ટકા રસીકરણ પૂર્ણઃ અત્યાર સુધીમાં કુલ ૭,૮૪,૩૬,૧૪૯ ડોઝ અપાયા : કોરોના પછીની સૌથી વધુ ભીડ ગઈ દિવાળીએ થયેલઃ પરિસ્થિતિ નિયંત્રણમાં છતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને તંત્રની ચાંપતી નજર

રાજકોટ, તા. ૨૫ :. ગુજરાતમાં દિવાળી વખતે કોરોના પછી જામેલી અભૂતપૂર્વ ભીડના કારણે કોરોનાના દર્દીઓ જબ્બર સંખ્યામાં વધવાની ચિંતા લગભગ ટળી ગઈ છે. રસીકરણની જાદુઈ અસર જોવા મળે છે. ૪ નવેમ્બરે દિવાળી હતી તે પૂર્વેથી બજારોમાં અને ફરવા લાયક સ્થળોએ ભારે ભીડ જોવા મળેલ. સામાન્ય રીતે બે અઠવાડીયામાં કોરોનાનો ચેપ લાગવાની શકયતા રહેતી હોય છે. તહેવારો ગયાને હવે ૧૫ દિવસ જેટલો સમય થઈ ગયો હોવાથી ભીડ પછીની લહેર આવવાની શકયતા લગભગ ટળી ગઈ છે. બહારગામ ફરવા ગયેલા મોટાભાગના લોકો ઘરે પરત ફરી ગયા છે.

દિવાળી પછી રાજ્યમાં એક વખત ૫૦થી વધુ નવા કેસ જોવા મળેલ. ત્યાર પછી મોટાભાગે આંકડો ૪૦ની અંદર રહ્યો છે. ગઈકાલે કોરોનાના નવા ૨૯ કેસ નોંધાયેલ. હાલ રાજ્યમાં ૩૧૬ એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં ૮૧૬૮૮૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપેલ છે. હાલની સ્થિતિએ કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં છે છતાં બેદરકાર રહેવા જેવુ નથી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય વિભાગ સહિત સમગ્ર તંત્રની ચાંપતી નજર પરિસ્થિતિ પર છે.

ગુજરાતમાં રસી આપવા પાત્ર ૪.૯૩ કરોડ જેટલા લોકો છે. જેમાંથી ૯૩ ટકા લોકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે. ૮૭ ટકા લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ ૭,૮૪,૩૬,૧૪૯ ડોઝ અપાઈ ગયા છે. દરરોજ સરેરાશ ૪ લાખ ડોઝ અપાઈ રહ્યા છે. સરકારે હવે ઘરે-ઘરે જઈને રસી મુકાવવામાં બાકી લોકોની તપાસ કરી રસી આપવા પર ભાર મૂકયો છે. ડીસેમ્બરમાં ઓછામાં ઓછા ૧ કરોડ લોકોને બાકી ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. ૧૮ વર્ષથી નીચેના લોકોને કેન્દ્ર સરકારની સૂચના આવે તે મુજબ ડોઝ આપવાનુ સમયપત્રક નક્કી થશે. હાલ ૧૮ વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ ચાલી રહ્યુ છે. મોટા રાજ્યોની શ્રેણીમાં રસીકરણમાં ગુજરાત મોખરે દોડી રહ્યુ છે. કોરોના નિયંત્રણમાં રહેતા હવે કરફયુ મુકિત અને પ્રસંગોમાં ૪૦૦થી વધુ માણસોની છૂટનો દરવાજો ખુલી રહ્યો છે.

(12:26 pm IST)