Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રાત્રી કર્ફયુ ઉઠાવી લેવાની સરકારની તૈયારી : લગ્ન અને સામાજિક પ્રસંગોમાં પણ મર્યાદા ૮૦૦ લોકો સુધીની થઈ શકે છે

રાજયમાં ત્રીજી લહેરની શકયતા નહિવત્ : વાઈબ્રન્ટ સમિટને કારણે છૂટછાટ આપવા બાબતે વિચાર કરી રહી છે સરકાર ?

અમદાવાદ તા. ૨૫ : ગુજરાત રાજયમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને તેના કારણે અમલમાં મૂકવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોના જીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા હતા. હવે જયારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે લોકોના જીવન પણ ધીરે ધીરે પાટા પર ચઢી રહ્યા છે. નોંધનીય છે કે અત્યારે રાજયભરમાં લગ્નગાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. અત્યારે લગ્ન સહિતના સામાજિક સમારંભમાં માત્ર ૪૦૦ લોકોની જ મર્યાદા રાખવામાં આવી છે. આ કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધનીય છે કે ટુંક જ સમયમાં ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન થશે અને ડિસેમ્બર મહિનાથી તેના કાર્યક્રમોની શરૂઆત થઈ જશે. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી મર્યાદા વધારીને ૬૦૦થી ૮૦૦ સુધી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સિવાય રાત્રી કર્ફયૂ ઉઠાવી લેવાની સંભાવનાની પણ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારી કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે અને તે સમયે પોલીસ અથવા તંત્ર તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, જયારે બીજી બાજુ લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમોમાં તંત્ર દ્વારા કડક નિયમો લાદવામાં આવ્યા છે. આ વ્યવહારને કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી છે.

દેશભરમાં ત્રીજી લહેર આવવાની શકયતા હતી અને સરકારોએ તેના માટે તૈયારીઓ પણ શરૂ કરી હતી. પરંતુ હવે ત્રીજી લહેરની શકયતા નહિવત્ત થઈ રહી છે ત્યારે આરોગ્ય અને ગૃહ વિભાગ ટુંક જ સમયમાં તમામ પરિબળોનો અભ્યાસ કરીને ડિસેમ્બરથી કોરોના નિયંત્રણમાં છૂટ આપી શકે છે. નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી મંત્રીઓને પણ રજૂઆત કરવામાં આવી છે. સરકાર હવે આ રજૂઆતો પર વિચારણા કરશે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ ડિસેમ્બરથી રાજયમાં વાઈબ્રન્ટ ગુજરાતને લગતા કાર્યક્રમોની શરુઆત થવાની છે. આ દરમિયાન અન્ય રાજયમાંથી આવનારા લોકોને રાત્રે મુસાફરી કરવાની જરૂર પડી શકે છે. આ સિવાય અન્ય સેમિનાર અને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી શકે છે. માટે સરકારે તે સમયે પણ છૂટછાટ આપવી પડી શકે છે. હવે આ બાબતે પૂરતી ચર્ચા કરીને ટૂંક સમયમાં કોઈ જાહેરાત કરવામાં આવી શકે છે.

(10:58 am IST)