Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે કહ્યું, "સુરતમાં એક નાનું ભારત વસેલું છે:તમામ રાજ્યના નાગરિકો વસે છે

સુરત શહેર ભાજપ દ્વારા યોજાયેલ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં દિલ્હીથી કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ સહકારિતા મંત્રીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું.

સુરત :આજે સુરત શહેર ભાજપ સંગઠન દ્વારા સુરત શહેરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં દિલ્હીથી કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ સહકારિતા અમિતભાઈ  શાહે વર્ચ્યુઅલી સંબોધન કર્યું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું કે આપણે ત્યાં બહુ જૂની પરંપરા છે કે નવા વર્ષમાં પાર્ટી નૂતન વર્ષાભિનંદનના કાર્યક્રમો કરતી હોય છે તેમજ સ્નેહમિલનના કાર્યક્રમ કરતી હોય છે.

 

તેમણે કહ્યું કે “સી.આર.પાટીલનો તેમના પર ફોન આવ્યો હતો. આજે નક્કી કરેલી કેટલીક બેઠકો પણ હતી. સુરત રૂબરૂ આવવું હતું, પણ વર્ચ્યુઅલી રીતે આપની સામે આવવાનો મોકો મળ્યો છે. આથી હું સી.આર.પાટીલને ખુબ ખુબ ધન્યવાદ આપું છું” કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “મેં સી.આર.પાટીલને કહ્યું છે કે ડીસેમ્બરમાં સુરતીઓને મળવાનો એક મોકો મને જરૂર આપજો, તો કોઈ કાર્યક્રમનું આયોજન કરીને રૂબરૂ પણ આવીશ.

” કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે કહ્યું કે સ્વચ્છ સર્વેક્ષણ 2021માં સમગ્ર દેશમાં સુરતનો બીજો નંબર આવ્યો છે, એ માટે સુરત શહેરના મેયર, એમની ટીમ અને સાથે જોડાયેલા સૌ અધિકારીઓ-કર્મચારીઓ અને ખાસ કરીને સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હૃદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે આવતા વર્ષે જયારે આ સર્વેક્ષણ થાય ત્યારે સુરત શહેર સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવે એવો સંકલ્પ આપણે આજે કરીને જઈએ.

તેમણે કહ્યું કે આ સુરત શહેરનું ભાજપ સંગઠન સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એવું સંગઠન છે કે છેલ્લા 31 વર્ષમાં એક પણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને હરાવી નથી. ગુજરાતની જનતાના ભારતીય જનતા પાર્ટી પર સતત આશીર્વાદ રહ્યાં. એમાં સુરત શહેર એવું છે કે નામનો પણ પરાજય નથી આપ્યો, પછી એ કોર્પોરેશન, વિધાનસભા, સંસદ કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, દરેક જગ્યાએ સુરતના લોકોએ ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે. આથી હું સુરત શહેરના કાર્યકર્તાઓને બે હાથ જોડી પ્રણામ કરું છું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે કહ્યું કે સુરત શહેર સમગ્ર ભારતમાં એકમાત્ર એવું શહેર છે જ્યાં ભારતના તમામ રાજ્યના નાગરિકો રહે છે. સુરતની અંદર આખું લઘુ ભારત વસેલું છે. અને સુરતના વિજયનો મતલબ થાય છે ભારતનું મેન્ડેટ. 31 વર્ષથી સુરત શહેર સતત ભારતીય જનતા પાર્ટીને વિજય આપતું રહ્યું છે.

(8:53 pm IST)