Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

બોટાદના લાઠીદડ ગામમાં ચાર લોકોના રહસ્યમય મોતથી ગ્રામજનોમાં ફફડાટ

મૂળ કટમાંડવા ગામ તાલુકો બોડેલીના રહેવાસી કુલ પાંચ લોકો પૈકી 1 મહિલા સહિત કુલ 4ના રહસ્યમય રીતે મોત નિપજ્યા

બોટાદના લાઠીદડ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, અહિં 4 લોકોના શંકાસ્પદ મોત  થયા છે. ત્યાં જ વધુ એક આધેડની હાલત ઠીક નથી અને તેમની સારવાર ચાલી રહી છે.

આ ચાર મૃતકોના મોત અંગે રહસ્ય ઘૂંટાતું જઇ રહ્યું છે. બોટાદ તાલુકાના લાઠીદડ ગામે 1 મહિલા સહિત કુલ 4ના રહસ્યમય રીતે મોત નિપજ્યા છે. કુલ 5 લોકોમાં એક બાદ એક 4ના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 1ની સારવાર ચાલી રહી છે. મૃતક અને સારવાર લઈ રહેલ તમામ 5 લોકો મૂળ કટમાંડવા ગામ તાલુકો બોડેલીના રહેવાસી છે.

બોટાદ સરકારી હોસ્પિટલ ખાતે તમામ 5 લોકોને સારવાર અર્થે લાવવામાં આવેલ ત્યારબાદ ખાનગી હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. બાદમાં મૃત્યુ નિપજતા 4 ડેડ બોડી પી.એમ.માટે લવાઈ જ્યારે અન્ય 1ની હજુ સારવાર ચાલી રહી છે. આ તમામ લોકો 2 દિવસ પહેલા જ પોતાના વતનમાંથી લાઠીદડ ગામે ખેત મજુરી કરવા માટે આવ્યા હતા. હાલમાં બોટાદ પોલીસે સોનાવાલા હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મૃત્યુ અંગે કંઈક અજુગતું કારણ નીકળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

મૃતકના નામ

(1) તીકમભાઈ ઉદલભાઈ નાયક – 35 વર્ષ
(2) કાંટા બેન તીકમ ભાઈ નાયક – 35 વર્ષ.
(3) રતનભાઈ કદુજીભાઈ નાયક – 40
(4) ફતેસિંગભાઈ ભયજીભાઈ ખારીયા – 40

(8:29 pm IST)