Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ભારતમાં લોકતંત્રના પાયા અત્યંત મજબૂતઃ રામનાથ કોવિંદ

કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૮૦મી અખીલ ભારતીય પીઠાસીન અધિકારીઓના પરિષદનો પ્રારંભઃ કાલે નરેન્દ્રભાઈ સમાપન પ્રવચન કરશે : જવાબદારી, સહકાર સંકલન અને વિશ્વસનીયતા સંસદીય પ્રણાલીકાનો આત્માઃ વેંકૈયા નાયડુ :: લોકશાહીના જતન અને સંવર્ધન માટે બંધારણીય ૩ મુખ્ય આધારશીલા સંસદ, પ્રશાસન અને ન્યાય તંત્રઃ વિજયભાઈ રૂપાણી

કેવડીયા ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિતની ઉપસ્થિતિમાં આજથી બે દિવસીય અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદનો પ્રારંભ થયો છે જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૨૫ :. સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે આજથી બે દિવસીય ૮૦મી અખીલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનો પ્રારંભ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિતનાની ઉપસ્થિતિમાં કરાયો હતો.

આ તકે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આજે દેવઉઠી અગીયારસના પાવન અવસરે સરદાર સાહેબના પ્રતિમાના સાનિધ્યમાં આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં સંમેલીત થવાની મને ખુશી છે. સંવિધાન દિવસનું આપણા માટે વિશેષ મહત્વ છે. વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ રહ્યા જે સરદારના મોટા ભાઈ અને ગુજરાતના હતા. શ્રી વાસુદેવ માવલંકર લોકસભાના પહેલા સ્પીકર બન્યા. યોગાનુયોગ તેઓ પણ ગુજરાતમા જન્મ્યા હતા.

શ્રી રામનાથ કોવિંદે વધુમાં જણાવ્યુ કે ભારતમાં લોકતંત્રના પાયા મજબૂત છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ ગણતંત્રનો ઉલ્લેખ છે. બિહારના પ્રાચીન ગણરાજ્ય વૈશાલી કપીલવસ્તુનો ઉલ્લેખ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની અપેક્ષા લોક પ્રતિનિધિ પાસેથી વધી છે. માધ્યમોના ગતિશીલ યુગમાં સંસદ વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરાય છે. આ સ્થિતિમાં અમર્યાદીત આચારણ પીડાદેહ છે. શિષ્ટ સંવાદથી લોક સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. સશકત લોકતંત્ર આ સંમેલનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. ગરીબ, દલિત, પીડીત માટે કાર્ય થવા જોઈએ. રાષ્ટ્રપતિશ્રીએ અહેમદભાઈ પટેલને યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

આ તકે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યુ હતુ કે જવાબદારી, સહકાર, સંકલન અને વિશ્વસનીયતા આ સંસદીય પ્રણાલીકાનો આત્મા છે. આ ત્રણેયમાં મોટુ કોણ ? તે અંગે ચર્ચા અને ખેંચતાણ કરવાની જરૂર નથી. ન્યાયીક સંસ્થા વાલી છે. તો બાકીના સ્તંભો એકબીજાના પુરક છે. બધામાં બંધારણ સર્વોચ્ચ છે. આ તમામ બાબતોના અમલીકરણ માટે પીઠાસીન અધિકારી આગળ આવે તે જરૂરી છે.

આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે લોકશાહીના જતન માટે મુખ્ય ત્રણ બંધારણીય આધારશીલા સંસદ, પ્રશાસન અને ન્યાયતંત્ર લોકહીતમાં સક્રીય રીતે કાર્યરત કરે તે જરૂરી છે. આ વર્ષ પરિષદનું સતાબ્દી વર્ષ છે તેથી આ પરિષદનુ મહત્વ હજુ પણ વધારે છે. લોકશાહી અધિકારનો આનંદ સાથે અને ફરજ પાલનના માર્ગ પર આગળ વધવુ જોઈએ. સંસદીય લોકશાહીમાં નવી પ્રથાઓ અને નવી પ્રક્રિયાઓ વિચારના આપ-લેના સ્વરૂપમાં વિચાર મંત્ર દ્વારા મેળવીશું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે ભારતીય વિદ્યાભવનના સ્થાપકો અને સાહિત્યકારો કનૈયાલાલ મુન્શી અને હંસાબેન જીવરાજ મહેતાએ બંધારણ સભાના સભ્યો તરીકે મૂલ્યવાન યોગદાન આપ્યુ છે. આઝાદી પૂર્વે ભારતની પહેલી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના પ્રમુખ શ્રી ગણેશ માવલંકર ગુજરાતના હતા. આપણા બંધારણમાં સાર્વભૌમત્વ અને સંયુકત રાષ્ટ્રની કલ્પના લાવવા માટે સરદાર સાહેબે ૫૬૫ દેશી રજવાડાઓને ભારતીય સંઘમાં એકીકૃત કરીને વિશેષ ફાળો આપ્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૫થી સમગ્ર દેશમાં ૨૬ નવેમ્બરને બંધારણ દિન તરીકે મનાવવાની શરૂઆત થઈ છે. માં ભારતીને વિશ્વના સર્વોચ્ચ સ્થાને સ્થાપિત કરવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને આપણે સૌ સાકાર કરવા આગળ વધીશું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દ્વારકા, સોમનાથ મંદિર, કચ્છ, પાટણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતને યાદ કરીને ગુજરાતની ગરીમા વિશે માહિતી આપી હતી.

આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બીરલા, લોકસભાના વિરોધ પક્ષના નેતા અધિર રંજન ચૌધરી સહિતનાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

(3:07 pm IST)