Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

વલસાડ એલસીબીએ ઉમરગામમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના એકને પકડી પાડ્યો

ઉમરગામ વિસ્તારમાં થયેલી 4 ઘરફોડ ચોરીમાં સામેલ હોવાની કબૂલાત: સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂ. 4,07,500ની મત્તાની ચોરી કરી હતી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ એલસીબીએ ઉમરગામ વિસ્તારમાં ચોરી કરી તરખાટ મચાવનાર ચોરને ઝબ્બે કરી 4 ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે તેની પાસેથી મોબાઇલ પકડી તેની વધુ પુછતાછ હાથ ધરી છે. વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ, એલસીબી પીઆઇ ડી. ટી. ગામિત, પીએસઆઇ સી. એચ. પનારા, જી. આઇ. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ અલ્લારખ્ખુ તેમજ અન્ય સ્ટાફે મળીને ઉમરગામ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ.

  એ દરમિયાન તેમણે બાતમીના પગલે ઉમરગામ પંથકમાં ચોરી કરનાર રીઢા ચોર અમિત ઉર્ફે બાબુ રાજેન્દ્ર યાદવ (રહે. નાલાસોપારા ) ને પકડવા વોચ ગોઠવી હતી અને તેમાં અમિત ઉર્ફે બાબુ ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની અંગ ઝડપી કરતાં તેની પાસેથી રૂ. 5 હજારનો એક મોબાઇલ મળી આવ્યો હતો. તેમજ તેની કડક હાથે પુછતાછ કરતાં તે ઉમરગામ વિસ્તારમાં થયેલી 4 ઘરફોડ ચોરીમાં સામેલ હોવાની કબૂલાત કરી હતી. તેણે આ ચોરીમાં સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂ. 4,07,500ની મત્તાની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. પોલીસે આ મુદ્દામાલ કબજે કરવા અને તેના સાગરિતોને પકડવા વધુ કવાયત હાથ ધરી છે.

(9:01 pm IST)