Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

અમદાવાદ -મુંબઇ એક્સપ્રેસ હાઇવે: યોગ્ય વળતર નહિ ચુકવતા વડોદરા જિલ્લાના જમીન સંપાદન અધિકારીને હાઇકોર્ટ સમક્ષ હાજર થવા આદેશ

સાત ગામોને શહેરી વિસ્તાર ગણીને જમીનના ચાર ગણાંની જગ્યાએ બે ગણું જ વળતર ! જૂન મહિનામાં યોગ્ય વળતર આપવા આદેશો કર્યા હતા. છતાં હજુ સુધી વળતર અપાયું નહીં : હાઇકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ કન્ટેમ્પટ પિટિશન કરાઈ

અમદાવાદ-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટના વડોદરા જિલ્લાના જમીન સંપાદન અધિકારી તથા નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વડોદરાના પ્રતિનિધિને હાઇકોર્ટ સમક્ષ હાજર થવાનું હાઇકોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લાના ખેડૂતો અને જમીન માલિકોને હાઇકોર્ટે ગત જૂન મહિનામાં યોગ્ય વળતર આપવા આદેશો કર્યા હતા. છતાં હજુ સુધી વળતર અપાયું નહીં હોવાથી હાઈકોર્ટના હુક્મના અનાદર બદલ હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લાના અરજદાર હસુભાઈ ભટ્ટ સહિત અન્યો તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિકે એવી રજૂઆત કરી હતી કે,વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ વડોદરાના સાત ગામો જેવા કે ભાઈલી, શિવાસી, સેખી, સમયાના, ગોકુલપુરા, મહાપુરા વગેરે પાસેથી તેમની જમીન ગ્રામ્ય વિસ્તારમાં આવતી હોવા છતાં તેને શહેરી વિસ્તાર ગણીને જમીનના ચાર ગણાંની જગ્યાએ બે ગણું જ વળતર ચુકવવામાં આવ્યું હતું.

જેથી હાઇકોર્ટે તેમને ચાર ગણું વળતર, વ્યાજ તેમ જ પુન: વસવાટની રકમ બે મહિના 21 દિવસમાં આપવાના આદેશો કર્યા હતા. જો કે હજુ સુધી તેમને વળતરની ચૂકવણી પણ થઇ નથી. તેથી જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની દાદ માંગવામાં આવી છે.

(12:08 am IST)