Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પોલીસ વિભાગના પ્રશ્નો અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો : સુખદ ઉકેલ આવવાની આશા

બંધારણીય અધિકાર આંદોલન સમિતિના સંયોજક હસમુખ સક્સેના તથા તેમની ટીમ દ્વારા પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત

અમદાવાદ :રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી સાથે બંધારણીય અધિકાર આંદોલન સમિતિના સંયોજક હસમુખ સક્સેના તથા તેમની ટીમ દ્વારા પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી.

આ મિટિંગમાં ગુજરાત પોલીસના કર્મચારીઓના અન્ય રાજ્યો ના પોલીસ કર્મીઓ કરતા વેતનભથ્થા- ગ્રેડ-પે , ઘરભાડામાં રહેલી અસમાનતા , પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ-નશાબંધી શાખાનાકોન્સ્ટેબલના ગ્રેડ પે ની વિસંગતતાઓ , પ્રવાસ ભથ્થા, રજાઓ, નોકરીના કલાકો, અનિયમિત નાઇટ શિફ્ટ ડ્યુટી, મહિલા પોલીસકર્મી ઓના પ્રશ્નો, SRPF કર્મચારીઓની નોકરીમાં હેડ કવાર્ટરથી દુર અન્ય જિલ્લામાં ફરજ બજવણી,અસ્થાયી નોકરી તથા વારંવાર બદલીને કારણે બાળકોનું શિક્ષણ તથા પારિવારિક મુશ્કેલીઓ જેવા મુદ્દાઓ પર વિશદ ચર્ચા-રજુઆત કરવામાં આવી. ઉપરાત LRD નોકરી પ્રતિક્ષાયાદીના યુવાનોના પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર ઝીણવટપૂર્વકની ચર્ચા થઈ.

સમગ્ર બાબતો અનુસંધાને ગૃહમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવતા પોલીસ વેતન ,ગ્રેડ -પે તેમજ રજુ થયેલ પ્રમુદ્દે નાણાવિભાગ સાથે પરામર્શ કરી ટુંક સમય માં યોગ્ય ઘટતું કરવા હૈયાધારણા આપી હતી. વધુમાં SRPF , મહિલા પોલીસ કર્મીઓ,LRD પ્રતિક્ષા યાદી ના યુવાનો ના પ્રશ્નો સંદર્ભે હકારાત્મક વલણ દાખવતા કેટલીક વિગતોની પુર્તતા કરવા જણાવ્યું હતું જે અનુસંધાને હસમુખ સક્સેના એ ટુંક સમયમાં વિગતો ઉપલબ્ધ કરાવવા ખાત્રી આપી હતી.

રાજ્યના ગૃહમંત્રીનો હકારાત્મક અભિગમ જોતાં પોલીસ વિભાગના કર્મચારીના પ્રશ્નો નો ટૂંક સમયમાં જ સુખદ ઉકેલ આવવાની આશા બંધાઈ છે.

હસમુખ સક્સેનાએ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે સંવેદના દાખવનાર તમામ ધારાસભ્યો,પદાધિકારીઓ અન્ય વિભાગના કર્મચારીઓ તેમજ સાથ આપનાર જનતા જનાર્દનનો સમગ્ર પોલીસ વિભાગ તરફથી આભાર માન્યો હતો.

હિન્દુ વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી ટાણે ગૃહરાજ્યમંત્રી હકારાત્મક વલણને લઇને વર્ષોથી પડતર પ્રશ્નો ના ઉકેલ સંદર્ભે સૌ પોલીસ કર્મીઓ સુખદ ઉકેલ આવે તે માટે મીટ માંડીને બેઠા છે.

(10:57 pm IST)